— રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આવેદનપત્ર આપ્યું :
— વડગામના ધારાસભ્યને સત્વરે છોડી મુકવામાં નહીં આવે તો દલિત સમાજે આંદોલનની ચિમકી ઉચ્ચારી :
ગરવી તાકાત ગાંધીનગર : વડગામના ધારાસભ્ય જિજ્ઞોશ મેવાણીએ કરેલા ટ્વીટ સામે આસામ પોલીસે તેમની ધરપકડ કરી છે ત્યારે જિજ્ઞોશ મેવાણીના સમર્થનમાં દરેક જિલ્લા અને તાલુકા મથકે દેખાવો થઇ રહ્યા છે જે અંતર્ગત આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે હલ્લાબોલ કર્યો હતો અને સત્વરે જિજ્ઞોશ મેવાણીને છોડી દેવા માટે રજુઆત પણ કરવામાં આવી છે.
ધારાસભ્ય જિજ્ઞોશ મેવાણીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને ટ્વીટ કર્યું હતું જેના પગલે આસામમાં જિજ્ઞોશ મેવાણી ઉપર ગુનો દાખલ થયો હતો અને બે દિવસ પહેલા આસામ પોલીસ રાતોરાત જિજ્ઞોશ મેવાણીની ધરપકડ કરી આસામ લઇ ગયા હતા. આસામ પોલીસ દ્વારા લેવામાં આવેલા આ એક્શન અને જિજ્ઞોશ મેવાણીની રાતોરાત કરવામાં આવેલી ધરપકડના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.
ગુજરાતમાં દલિત સેના દ્વારા તાલુકા અને જિલ્લાઓમાં વિવિધ દેખાવો અને પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ઘરણા કરીને વિરોધ પણ નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીનગર કલેક્ટર કચેરીએ જિજ્ઞોશ મેવાણીના સમર્થનમાં ઉગ્ર વિરોધ કર્યો હતો અને અહીં હલ્લાબોલ કર્યું હતું.
જો કે, મંચના સભ્યો દ્વારા દેખાવો કરતા તાત્કાલિક પોલીસ બોલાવી દેવામાં આવી હતી અને કલેક્ટર કચેરીના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. એટલુ જ નહીં, પોલીસને સાથે રાખીને સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, જો સત્વરે જિજ્ઞોશ મેવાણીને છોડવામાં નહીં આવે તો સંવિધાનના આધારે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.