સમગ્ર દેશ ઉપરાંત ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કેન્દ્રથી લઇને રાજ્ય સરકાર પ્રજાને કોરોના સામે લડવા માટેની સલાહ આપી રહ્યાં છે પરંતુ બીજી તરફ ગુજરાતમાં હાઇલેવલની બેઠકોના નાટક ચાલે છે. અસરકારક પગલા તો દૂરની બાબત છે, માસ્ક અને સામાજિક અંતર જેવી પ્રાથમિક બાબતોમાં પણ ગુજરાત ગંભીર નથી. મહામારીની ઘાતક અસરની રાહ જાેવાઇ રહી છે?
ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાના પગલાંને બદલે નેતાઓ કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ લાગે છે. નેતાઓ રાજ્યમાં ટોળા સર્જી રહ્યાં છે. જાતે પણ ટોળે વળી રહ્યાં છે અને કાર્યકરો-સમર્થકોને પણ જાેખમી પાટે ચઢાવી રહ્યાં છે. અન્ય તો ઠીક, આપણા મુખ્યમંત્રી પણ બિનજવાબદારીભર્યું વલણ દાખવી રહ્યાં છે. તેમનું સુરક્ષા તંત્રને પણ જાણે કંઇ જ પડી ન હોય તેમ લાગે છે.
મુખ્યમંત્રી સુરતમાં ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર હાજર રહ્યા હતાં. નવાઇની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં કોઇએ માસ્ક પહેર્યા ન હતાં. વધારે નવાઇની વાત તો એ રહી કે મુખ્યમંત્રી પણ જાહેરમાં માસ્ક વગર હતાં. ભાજપના બે નેતાઓ કોરોના પોઝિટિવ જાહેર થયા, મુખ્યમંત્રીનું આરોગ્ય જાેખમાયું. ગુજરાતમાં સરકાર અને શાસક પક્ષના નેતાઓ જાહેરમાં ભયાવહ બેદરકારી દાખવે છે. અધિકારીઓ તથા વિપક્ષના નેતાઓ પણ દૂધે ધોયેલા નથી. તેઓ પણ કોરોનાના પ્રોટોકોલનું પાલન કરી રહ્યાં નથી અને ગુજરાતમાં ખૂણે-ખૂણે કોરોના ફેલાય તે રીતે સક્રિય બની ગયા છે. વડાપ્રધાન વારંવાર અપીલ કરે છે, આગ્રહ કરે છે કે કોવિડના નિયમોનું પાલન કરો. પણ સાંભળે છે કોણ. તેમણે ખરેખર તો લાલ આંખ કરીને ભાજપીઓને કહી દેવું જાેઇએ કે માસ્ક વગર જાહેરમાં આવ્યા તો તમારી ખૈર નથી. પરંતુ વડાપ્રધાન પણ આક્રમક બની રહ્યાં નથી અને તમાશો જાેઇ રહ્યાં છે. ચિંતાના માત્ર નાટક ચાલતા હોય તેમ લાગે છે.
કોરોનાની બીજી લહેરમાં અસંખ્ય નિર્દોષ લોકોના જીવ ગયા હતાં. આર્થિક-સામાજિક બરબાદી થઇ હતી. સંક્રમિત-ગંભીર લોકોની સારવાર કરવાની ત્રેવડ સરકારની ન હતી. આ વાતને હજુ ઝાઝો સમય થયો નથી તેમ છતાં સરકાર કે લોકો ગંભીર નથી થતા એ માનિસકતા સમજની બહાર છે. અન્ય પ્રતિબંધો કરતાં રાજકીય ટોળાની ફૂલી ફાલી રહેલી પ્રવૃત્તિને બંદ કરાવીને દરેક માટે માસ્ક અને સામાજિક અંતર ફરજિયાત કરવામાં આવે તો પણ મહામારીને કાબુમાં લઇ શકાય છે. પરંતુ આ બધુ કરવાની તસ્દી લેવી છે કોને?મુખ્ય મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખ જ માસ્ક પહેરતા નથી ત્યારે પ્રજા પાસેથી કેવી અપેક્ષા રાખી શકાય. આ મામલે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે કડક થવું પડશે. નેતાઓને સખત શબ્દોમાં કહેવું પડશે કે આ રીતે કોરોનાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન ના કરો નહીંતર સ્થિતિ કાબુ બહાર જતાં વાર નહીં લાગે. આપણે આશા રાખીએ કે નેતાઓ પ્રજાને સલાહ આપતા પહેલા પોતે પણ એનું પાલન કરે.