ચીખલી કસ્ટોડિયલ ડેથ : PI સહીત 6 વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ – 2 યુવકો પોલીસ સ્ટેશનમાં લટકેલી હાલતમાં મળી આવ્યા હતા !

શેર કરવા અહીં ક્લિક કરો.

નવસારીની ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવકોના મોત મામલે આખરે પીઆઈ સહિત 6 લોકો સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. સમગ્ર ઘટના મામલે જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી છે. બંને યુવકો પોલીસ સ્ટેશનમાં જ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. બંનેને ચોરીની શંકાના આધારે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. જે બાદમાં બંનેએ પંખા સાથે લટકીને આપઘાત કરી લીધાનો પોલીસે દાવો કર્યો હતો. આ મામલે આદિવાસી સમાજ તેમજ રાજકીય નેતાઓએ તટસ્થ તપાસની માંગણી કરી હતી. આખરે આ મામલે છ લોકો સામે હત્યા, અપહરણ સહિતનો ગુનો દાખલ થયો છે. આ મામલે ત્રણ સ્તરે તપાસ ચાલી રહી છે.

આ મામલે મૃતક રવિ જાધવ અને સુનિલ પવારના પરિવારજનોએ આદિવાસી આગેવાનો સાથે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી. જે બાદમાં પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે ચાર પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. જેમાં ચીખલી પોલીસ મથકના પીઆઇ,એચસી અને પીસી સામે હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયો છે. આ કેસમાં મૃતક પરિવારજનોની લેખિત ફરિયાદને જ એફઆઇઆરમાં બદલવામાં આવી છે. બીજી તરફ પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જેમની સામે સામે ગુનો નોંધાયો છે તેમાં 1) અજીતસિંહ આર. વાળા (પી.આઈ.) 2. શક્તિસિંહ ઝાલા (હેડ કોન્સ્ટેબલ) 3. રામજી યાદવ (પોલીસ કોન્સ્ટેબલ) 4. રવિન્દ્ર રાઠોડ (પોલીસ કોન્સ્ટેબલ) 5. પી.એસ.આઈ. કોંકણીના તાબા હેઠળના પોલીસ કર્મચારી 6) પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર અજાણી વ્યક્તિનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન ડ્રગ્સ મામલે મુખ્ય આરોપી ATSના સકંજામાં

બે-બે યુવકના પોલીસ સ્ટેશનની અંદર શંકાસ્પદ મોત બાદ આદિવાસી સમાજમાં આક્રોશ ફેલાયો હતો. આ મામલે બંને યુવકોને ન્યાય અપાવવા માટે ડાંગ જિલ્લો બંધ રહ્યો હતો. આ મામલે ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિત સહિત આગેવાનોએ પણ રજુઆત કરી હતી. આ મામલે આખરે પોલીસે મૃતકના ભાઈ નિતેશ સુરેશ જાદવ (રહે. વઘઇ)ની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. આરોપીઓ સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 302, 319, 359, 365, 386, 114, 120b મુજબ તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે.

આ મામલે નોંધવામાં આવેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપીઓ ગુનાહિત ષડયંત્ર રચીને બંને યુવકોની અપહણ કરી પોલીસ મથકે લાવ્યા હતા. અહીં તેમને ઇરાદાપૂર્વક જાતિવિષયક અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીડિતોનું મૃત્યું નિપજે ત્યાં સુધી માર મારી શારીરિક ઈજા મોત નીપજાવ્યું હતું. આ મામલે નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.ફળદુ તપાસ કરી રહ્યા છે. આ મામલે જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે હાલ ત્રણ સ્તરે તપાસ ચાલી રહી છે. જેમાં પોલીસ તપાસ ઉપરાંત જ્યુડિશિયલ ઇન્ક્‌વાયરી ચાલી રહી છે. મૃતકોના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ દિલ્હી મોકલી આપવામાં આવ્યા છે. દ્ગૐઇઝ્ર દિલ્હી પણ આ મામલે અલગથી તપાસ કરી રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.