મહેસાણા નગરપાલીકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેમ એક બાદ એક નવા ભ્રષ્ટાચારના મામલા સામી આવી રહ્યા છે. અગાઉ સીટી બસ કૌભાંડ, કચરા ઉપાડવાનુ કૌભાડ, ફાયર વિભાગનુ જેવા અનેક કૌભાંડો સામે આવી ચુક્યા છે ત્યાર બાદ હવે પાલીકાનુ નવુ કૌભાંડ બહાર આવ્યુ છે. જેમાં ચીફ ઓફિસરની મીલીભગતથી સત્તાધારી નેતાઓએ કોમ્યુનીટી હોલમાં કૌભાંડ આચર્યુ છે.
મહેસાણા નગરપાલીકાએ સપ્ટેમ્બર માસમાં જેલ રોડ ઉપર આવેલ નાયક ભોજક સમાજ કેળવણી મંડળના 50 વર્ષ જુના મકાન ઉપરકોમ્યુનિટી હોલ બનાવવાનુ નક્કી કર્યુ હતુ. પરંતુ આ બાંધકામમાં પાલીકાએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનુ મંડળના આજીવન સભ્ય નરેશ નાયકે આક્ષેપ લગાવ્યો છે. આ કોમ્યુનીટી હોલ બનાવવામાં આર્થીક ભ્રષ્ટાચારના મામલા સીવાય મોટા પ્રમાણમાં જાનહાની થવાની પણ ભીતી છે. આ બાંધકામ માટે નગરપાલીકાએ કોઈ પણ ટેન્ડર બહાર પાડ્યા વગર જ ભાજપ પાર્ટીના દંડક વિનુ પ્રજાપતીને બાંધકામનો કોન્ટ્રાક્ટ આપી દેવાનુ ખુલ્યુ છે.
નાયક ભોજક સમાજ કેળવણી મંડળ નામની સંસ્થા રજીસ્ટર્ડ છે જેથી કોઈ પણ બાંધકામ માટે ચેરીટી કમીશ્નરની મંજુરી લેવી ફરજીયાત છે. પરંતુ પાલીકાએ આ મામલે કોઈ પરવાનગી લીધેલ નથી. આ સીવાય ચીફ ઓફિસર લેખીતમાં પરવાનગી આપે તે પહેલા જ દંડક કમ કોન્ટ્રાક્ટરે બાંધકામનુ કાર્ય શરૂ કરી દીધુ હતુ. આ ગેરકાનુની બાંધકામ અટકાવવા રજુઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છાત્રાલયનુ બાંધકામ 50 વર્ષ જુનુ છે, જેની છત પર તોડફોડ કરી હોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા ભોજક સમાજ મંડળના આજીવન સભ્યએ વાંધો ઉઠાવતા સુચન કર્યુ હતુ કે, નજીકના ભવિષ્યમાં હોનારતથી બચવુ હોય તો તળીયાના ભાગે કોમ્પ્યુનીટી હોલ બનાવવો જોઈયે.
આમ કોઈ પણ ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ આપવાનો મામલો હોય કે ચેરીટી કમિશ્નરની પરવાનગી વગર કોમ્યુનીટી હોલનુ બાંધકામની બાબત હોય, તમામ વિગતોમાં ચીફ ઓફિસર સહીત સત્તાધારી પાર્ટીના નેતાઓ જલ્દી જલ્દી પૈસા કમાઈ જવાના ચક્કરમાં તમામ નિયમો નેવે મુક્યાનુ ખુલ્યુ છે. જેથી આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા પાલીકામાં નરેશ નાયક દ્વારા લેખીતમાં રજુઆત કરવામાં આવી છે.