રૂપાલાની માફી મુદે એવો પ્રતિભાવ આપ્યો હતો કે તેઓ ત્રણ વખત માફી માંગે કે ત્રીસ વખત તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી
અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની સંકલન સમીતીના કોરગ્રુપ સાથે બેઠક યોજી હતી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 04 – રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમુદાય અંગે કરેલા વિધાનોથી સર્જાયેલા વિવાદમાં સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ જતા હોવાના સંકેત છે અને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ફરી એક વખત ભાજપની કેન્દ્રીય ચુંટણી ઢંઢેરા સમીતીની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી જઈ રહ્યા છે તે સમયે મોવડીમંડળ સાથે રાજકોટ બેઠક અંગે ફરી ચર્ચા કરશે તેવી ધારણા છે.
ગઈકાલે જ ભાજપના ક્ષત્રિય અગ્રણીઓની બનેલી ટીમે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની સંકલન સમીતીના કોરગ્રુપ સાથે બેઠક યોજી હતી. જેમાં સીનીયર નેતા અને પુર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત ભાજપના ક્ષત્રિય નેતાઓ સામેલ થયા હતા. જો કે ક્ષત્રિય સમાજે એક જ મુદાનો રૂપાલા હટાવો કાર્યક્રમ યથાવત રાખ્યો છે અને તે એજન્ડા સિવાય સમાધાનની શકયતા ફગાવી દીધી છે.
રૂપાલાની માફી મુદે એવો પ્રતિભાવ આપ્યો હતો કે તેઓ ત્રણ વખત માફી માંગે કે ત્રીસ વખત તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી અને તેથી આ સમાધાન બેઠક નિષ્ફળ ગઈ છે અને ક્ષત્રિય સમાજ હવે નિર્ણાયક લડાઈ માટે તૈયારી કરી રહ્યો છે તે સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હવે મવડીમંડળ પાસેથી માર્ગદર્શન લેશે. ગઈકાલે ક્ષત્રિય સમુદાય સાથેની બેઠક બાદ ભુપેન્દ્રસિંહ સહિતના અગ્રણીઓ કમલમમાં ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરને મળ્યા હતા અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમુદાયે પીછેહઠ કરવાનો ઈન્કાર કર્યો છે.
માનવામાં આવે છે કે, મોડેથી રત્નાકર ઉપરાંત સી.આર.પાટીલની પણ એક બેઠક યોજાઈ હતી અને હવે મુખ્યમંત્રી દિલ્હીમાં આ અંગે છેલ્લી પરીસ્થિતિની ભાજપ મોવડીમંડળને જાણ કરશે. બીજી તરફ પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ મોવડીમંડળ રૂપાલાને ખસેડવાના પક્ષમાં નથી અને તેથી ક્ષત્રિય સમાજ સામે કઈ રીતે આગળ વધવુ તે અંગે પણ ચર્ચા કરાશે.