ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ સામે તૂટી પડવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આદેશ
રાજય કેબીનેટ બેઠકમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ તથા બનાવટી બિયારણનો મુદો ચર્ચાયો
જનતાના આરોગ્ય સાથે ચેડા સ્વીકાર્ય નથી: નિયમિત ડ્રાઈવ યોજવા અને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું
ગરવી તાકાત, ગાંધીનગર,તા.7 – ગુજરાતમાં ખાદ્ય પદાર્થ ઉપરાંત બીયારણમાં પણ ભેળસેળના તેમજ બનાવટી બિયારણ વેચવાના આવી રહેલા કિસ્સા બાદ આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કેબીનેટની બેઠકમાં રાજય સરકારના ફુડ એન્ડ ડ્રગ વિભાગને ભેળસેળ પર તૂટી પડવા આદેશ આપ્યો હતો. રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી ખાદ્ય પદાર્થોની ભેળસેળ સામે વિવિધ શહેરોમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સતત કાર્યવાહી થઈ રહી છે તે મુદે મુખ્યમંત્રીએ આજે કેબીનેટની બેઠકમાં નોંધ લીધી હતી અને અધિકારીઓ સાથે આંકડાકીય બાબતો સહિતની ચર્ચા કરી હતી.
બાદમાં શ્રી પટેલે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ચલાવી લેવાશે નહી તેવું સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું અને જણાવ્યું કે જનતાના આરોગ્ય સાથે ચેડા સ્વીકાર્ય નથી. શ્રી પટેલે ચોકકસ સમયે ભેળસેળ સામે ડ્રાઈવ યોજવા કરતા નિયમિત રીતે અને સતત ઝુંબેશ ચલાવવા સૂચના આપી હતી. એટલું જ નહી ભેળસેળના નમુનામાં ઝડપથી લેબોરેટરી રિપોર્ટ આવી જાય અને ભેળસેળ કરનારાઓ સામે આકરી કાર્યવાહી થાય તે જોવા પણ આદેશ આપ્યો હતો.