ચેન્નાઈ સુપરકિંગ્સનો દિલ્હી કેપિટલ્સ સામે ૮૦ રને વિજય(હિ.મી.એ),મુંબઇ,તા.૨
સુરેશ રૈનાની અડધી પછી ઇમરાન તાહિરની ચુસ્ત બોલિંગ (૪ વિકેટ)ની મદદથી ચેન્નાઈ સુપરકિંગ્સ આઈપીએલ-૧૨માં દિલ્હી કેપિટલ્સ સામે ૮૦ રને ભવ્ય વિજય મેળવ્યો હતો. ચેન્નાઈએ ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૭૯ રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી ૧૬.૨ ઓવરમાં ૯૯ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. તાહિરે શાનદાર બોલિંગ કરતા ૧૨ રનમાં ૪ વિકેટ ઝડપી હતી.
પૃથ્વી શો ૪ રને આઉટ થયો હતો. શિખર ધવન ૧૯ રન બનાવી હરભજન સિંહની ઓવરમાં બોલ્ડ થયો હતો. રિષભ પંત ૫ અને ઇન્ગ્રામ ૧ રને આઉટ થતા દિલ્હીએ ૬૬ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલ ૯ અને રુધરફોર્ડ ૨ રન બનાવી તાહિરની એક જ ઓવરમાં આઉટ થયા હતા. દિલ્હીએ ૬૩ રનમાં ૬ વિકેટ ગુમાવતા સંકટમાં મુકાયુ હતું અને પરાજય નિશ્ચિત બન્યો હતો.
આ પહેલા ચેન્નાઈનો વોટ્‌સન ખાતું ખોલાયા વિના આઉટ થયો હતો. રૈના અને પ્લેસિસે બાજી સંભાળતા બીજી વિકેટ માટે ૮૩ રનની ભાગીદારી નોંધાવી હતી. આ જોડીને તોડવા અક્ષર પટેલ સફળ રહ્યો હતો. તેણે પ્લેસિસને ૩૯ રને આઉટ કર્યો હતો.રૈનાએ એક છેડો સાચવતા ૩૭ બોલમાં ૮ ફોર અને ૧ સિક્સર સાથે ૫૯ રન બનાવ્યા હતા. તે સુચિથનો શિકાર બન્યો હતો. જાડેજા ૧૦ બોલમાં ૨ ફોર અને ૨ સિક્સર સાથે ૨૫ રન બનાવી આઉટ થયો હતો. ધોની ૨૨ બોલમાં ૪ ફોર અને ૩ સિક્સર સાથે ૪૪ રન બનાવી અણનમ રહ્યો હતો.ચેન્નાઈ સુપરકિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ચેન્નાઈની ટીમમાં મહેન્દ્રસિંહ ધોની પરત ફર્યો છે.