ગરવીતાકાત પાટણઃ ચાણસ્મા તાલુકા પંચાયતમાં ગયા વર્ષે કોંગ્રેસના શાસકો વચ્ચે મનદુઃખ થી ફાટફૂટ પડતા પ્રમુખની ચુંટણીમાં બળવો થતાં ચાર સભ્યોએ અલગ ચોકો રચ્યો હતો અને એક મહિલા સદસ્યએ રાજીનામું આપી મેન્ડેડ વિરૂધ્ધ જઇ સભામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી દીધી હતી જેને લઈ થયેલા પક્ષાંતર ધારા હેઠળનો કેસ ગુજરાતના નામોનિર્દિષ્ટ અધિકારી સમક્ષ ચાલી જતાં 5 સભ્યોને પક્ષના આદેશનો અનાદર કરવા બદલ સભ્યપદેથી ગેરલાયક ઠરાવવાનો હુકમ કર્યો છે.

ચાણસ્મા તાલુકા પંચાયતમાં 18 પૈકી 15 સભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા. તેઓએ 11 ડીસેમ્બર 2015 ના રોજ તમામે રૂ. 100ના સ્ટેમ્પ પેપર પર પક્ષને વફાદાર રહી પક્ષ દ્વારા આપેલ વ્હીપનું સંપૂર્ણ પાલન કરવા બાંયધરી આપેલી હતી અને પક્ષને નુકસાન કરતુ કોઈ કૃત્ય તથા પક્ષપલટો કરે તો સભ્યપદ આપોઆપ રદ થયેલું ગણાશે તેવી ખાતરી અને બાંયધરી નોટરી સમક્ષ નોટરાઇઝ કરીને આપેલી હતી.

તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા 20 જૂન 18 ના રોજ ચૂંટણી રાખી હતી જેમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ પદ માટે ગેમરભાઈ ઓધારભાઇ દેસાઈ અને ઉપપ્રમુખ માટે સરલાબેન સોવનજી ઠાકોર નામના મેન્ડેડ આપી તેમની તરફેણમાં મતદાન કરવા વ્હીપ આપેલો હતો પરંતુ ચૂંટણી યોજાતા બળવો કરી સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી હતી જેમાં ચાર સભ્યો સભા સ્થળ છોડી ગયા હતા.

જેને પગલે સદસ્ય ગેમરભાઈ રબારીએ પાંચ સભ્યો કોકિલાબેન કનૈયાલાલ પટેલ, કૈલેશ હરિભાઇ પટેલ, ધીરાજી પથુજી ચાવડા, કૈલાશબા ભરતસિંહ સોલંકી અને કલાવતીબેન ગોપાલજી ઠાકોર વિરુદ્ધ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ખાતે નામો નિર્દિષ્ટ અધિકારી સમક્ષ પક્ષાંતરધારા હેઠળ ફરિયાદ કરી હતી. નામોનિર્દિષ્ટ પક્ષાંતર અધિકારી દિલીપ રાવલે પક્ષાંતર વિરોધી અધિનિયમ 1986 અને તેના નિયમો 1987 ના નિયમ ૮ મુજબ તમામ 5 સભ્યોને પક્ષના મેન્ડેટ વિરુધ્ધ સભા સ્થળ છોડી જતા પક્ષના આદેશનો અનાદર કરી જન મોરચા નામનો નવીન પક્ષ રચેલ હોવાનું સ્પષ્ટ પુરવાર થતું હતું.

કોંગ્રેસની સત્તા પર કોઈ અસર નહીં થાય
ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ જણાવ્યું કે 5 સભ્યોનું સભ્યપદ રદ થતાં તાલુકા પંચાયતની હાલની સતા પરની કોંગ્રેસની બોડીને કોઇ અસર થશે નહીં. તા.પં.ના 18 સદસ્યો પૈકી બે અપક્ષો એક ભાજપ સદસ્ય હતા જ્યારે ૧૫ સભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા. આ પૈકી 4 સભ્યો વિખુટા પડ્યા હતા જ્યારે એક મહિલા સભ્ય નામ આપ્યું હતું. હાલમાં અમારી પાસે એક અપક્ષ મળી 12 સભ્યો છે અને પૂરતી બહુમતી છે. તાલુકા વિકાસ અધિકારીએ પણ જણાવ્યું કે 5 સભ્યોનું સભ્યપદ રદ થયા પછી હાલની સત્તા પાંખ ને કોઈ અસર થતી નથી.