ગરવી તાકાત, મહેસાણા તા. 10 – શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલથી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીનો નવો સમય લાગુ પડશે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર તા.10/5 થી તા.6/7 સુધી માતાજીનો અન્નકુટ થઈ શકશે નહી.
અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ઋતુ મુજબ અને યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખી ફેરફાર કરવામાં આવે છે. દરરોજ હજારોની સંખ્યામાં માઈભકતો માતાજીના ચરણોમાં શીશ નમાવવા આવે છે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી નવો સમય જાહેર કરવામાં આવ્યો છે.આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટર જણાવે છે કે સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી તા.10/5 વૈશાખ સુદ ત્રીજથી તા.6/7 અષાઢ સુદ એકમ સુધી આરતી અને દર્શનનો નવો સમય જાહેર કરાયો છે તેમજ તા.10/5 થી તા.6/7 સુધી માતાજીનો અન્નકુટ થઈ શકશે નહી.
♦નવો સમય
આરતી સવારે 7.00 થી 7.30
દર્શન સવારે 7.30 થી 10.45
રાજભોગ દર્શન 12.30 થી 1.00
દર્શન બપોરે 1.00 થી 4.30
આરતી સાંજે 7.00 થી 7.30
દર્શન સાંજે 7.30 થી 9.00