મહેસાણા શહેરમાં વિકાસના કામોને લઇ સરેરાશ 100 થી વધુ વૃક્ષો કાપવાની સંભાવના.

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વૃક્ષો કાપવા અને સામે બચાવવા વચ્ચે ટકરાવ ચાલી રહયો છે. વિકાસની વાતો વચ્ચે ગ્રીન ગ્લોબલની ટીમે મહેસાણા જીલ્લા કલેકટર સાથે મુલાકાત કરવા જતા ગંભીર સ્થિતિ બની હોવાની વાત સામે આવી છે. પી.એ. ઘ્વારા મુલાકાતની તક નહી આપતા રજૂઆતકારો સીધા કલેકટરની ચેમ્બરમાં પહોચ્યાં હતા. જયાં કલેકટર એચ.કે.પટેલે તોછડુ વર્તન કરી પોલીસ કેસ કરવાની ધમકી આપી હોવાના આક્ષેપ સામે આવ્યા છે. જેનાથી વહીવટી અને નાગરિક આલમમાં ચકચાર મચી ગઇ છે.

મહેસાણા શહેરમાં વિકાસના કામોને લઇ સરેરાશ 100 થી વધુ વૃક્ષો કાપવાની સંભાવનાથી પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ઉભી થઇ છે. વૃક્ષો કપાતા બચાવવા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સહિતના જે તે વૃક્ષને બાથ ભરી એક રીતે ચિપકો આંદોલન ચલાવી રહયા છે. આ દરમ્યાન વહીવટી તંત્રને સમગ્ર મામલે જાણ કરવા જતા ઘર્ષણની સ્થિતિ બની હોવાનું ચર્ચાઇ રહયુ છે.

ગ્રીન ગ્લોબલ બ્રિગેડના નિલેશ રાજગોરે પોતાની કલેકટર સાથેની મુલાકાતનો સમગ્ર ઘટનાક્રમ પોસ્ટ કર્યો છે. જેમાં અગાઉ 10 મે અને 13 મે એટલે કે બે વાર કલેકટર સાથે મુલાકાત કરવા મંજુરી માંગી હતી. જોકે મંજુરી નહી મળતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડની ટીમ મહેસાણા કલેકટર કચેરી દોડી ગઇ હતી. જેમાં પી.એ. સાથે ચર્ચા કરતા કલેકટરે મનાઇ કરી હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી કલેકટરની ચેમ્બરમાં પહોંચી જતા રજૂઆતની વાર્તાલાપમાં મામલો ગરમાયો હોવાનું ચર્ચાઇ રહયુ છે.

નિલેશ રાજગોરે પોસ્ટમાં જણાવ્યુ છે કે, મહેસાણા કલેકટર સમક્ષ બિલકુલ નડતરરૂપ ન હોય તેવા 70 થી 80 વર્ષના લીમડા બચાવવા માંગ કરી હતી. જેની સામે કલેકટરે સત્તાના રોફમાં જેમતેમ બોલી અમને શું ગાળ આપવાની છે ? તેવી ટિપ્પણી કરી ખોટો પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. આ સાથે પોલીસ બોલાવી વિડીયો લેતા મોબાઇલ ઝુંટવી તોછડાઇપુર્વકનું વર્તન બતાવ્યાના આક્ષેપ કર્યા છે.

આ પછી, ગ્રીન ગ્લોબલના નિલેશ રાજગોરે પ્રજાના કરવેરાના પૈસે જાહેર નોકરની વ્યાખ્યામાં આવતા અમલદારો પ્રજાના બોસ બની ભ્રષ્ટાચાર કરે છે, ખોટા નિર્ણયો લઇ પ્રજા અને પર્યાવરણ પ્રકૃતિનું અહિત કરી રહ્યા છે ત્યારે પ્રજાએ શું કરવું ??? તે સહિતના સવાલો ઉભા કરતા મહેસાણા જીલ્લા વહીવટી, રાજકીય, સામાજીક અને નાગરીક આલમમાં ખળભળાટ મચી ગયો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.