કોરોના કાળ વચ્ચે વર્ષે સીબીએસઈ ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. વડાપ્રધાનની બેઠકમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાને કારણે થતી અનિશ્ચિત સ્થિતિ અને વિવિધ હોદ્દેદારો દ્વારા મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખી નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે આ સાથે એમ કહ્યુ હતુ કે, ગત વર્ષની જેમ આ વખતે પણ વિધાર્થીઓને ઓપ્શન આપવામાં આવશે. જેને પરિક્ષા આપવી હોય તે આપી શકશે.
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ જાહેરાત કરતા કહ્યું કે ધોરણ 12 સીબીએસઈ પરીક્ષાઓ અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાનો મુદ્દો વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ચિંતા પેદા કરી રહ્યો છે. વડા પ્રધાને વધુમાં કહ્યું હતુ કે, કોવિડને કારણે, કેટલાક રાજ્યોએ હજી પણ લોકડાઉન કરવાનું પસંદ કર્યું છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સ્વાસ્થ્યની ચિંતા કરે છે. આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે દબાણ ન કરવું જોઇએ.અમારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સલામતીનું ખૂબ મહત્વ છે અને આ પાસા પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.