હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ સુર્યદેવ કોપાયમાન રહેશે અને હીટવેવથી લોકોને રાહત નહીં મળે.

બાળકોની શાળા ખુલવાને હવે એક સપ્તાહની જ વાર છે ત્યારે ઘણાં લોકોએ બહાર જવાનું અને ફરવાનું આયોજન કર્યું હશે. ત્યારે ગરમીનો પારો નીચે જાય તેવી કોઇ જ શક્યતાઓ નથી. ઉત્તર ભારત સહિત દેશભરમાં અનેક જગ્યાએ લોકો ગરમીથી ત્રાહિમા પોકારી રહ્યાં છે. રવિવારે સુરેન્દ્રનગરમાં 45.3, ગાંધીનગરમાં 45 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 44 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. રાજસ્થાનના ચુરુમાં રવિવારે 49 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ સુર્યદેવ કોપાયમાન રહેશે અને હીટવેવથી લોકોને રાહત નહીં મળે.

અમદાવાદમાં હજી એક સપ્તાહ રાહત નથી: અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસથી ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોચતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેર વરસાવતી ગરમીના લીધે લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યાં છે. ગરમીના પ્રકોપથી ઝાડા-ઉલટી અને ટાઈફોઈના કેસમાં સતત વધારો નોધાઈ રહ્યો છે. બીજી તરફ હજુ એક સપ્તાહ સુધી ગરમીનો ઘટાડો થવાની શક્યતાઓ નહીવત છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક સપ્તાહ સુધી 43 ડિગ્રી તાપમાન રહેશે.

ઉત્તરાખંડમાં વરસાદ: સમગ્ર ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ છે ત્યારે ઉત્તરાખંડમાં રવિવારે સાંજે હવામાન બદલાયું હતું. પર્વતીય ક્ષેત્રોમાં વરસાદથી વાતાવરણમાં રાહત થઈ છે. બીજીબાજુ કુમાઉમાં રામગંગા નદી બે કાંઠે વહેતી થઇ છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વાદળ ફાટવાથી લામબગડમાં ભારે નુકસાન થયું છે. ત્યાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું કહેવાય છે. બીજીબાજુ માહિતી છે કે અલમોડાના ચૌખુટિયા ક્ષેત્રના ખીડામાં પણ વાદળ ફાટવાથી અનેક ઘર તણાઈ ગયા છે.