પાલનપુર નગર પાલિકાની ઘરવેરા શાખાનું ટેક્સ ચોરીનું કૌભાંડ બહાર આવતા હડકંપ
ગરવી તાકાત, પાલનપુર તા. 01 – પાલનપુર નગરપાલિકાની ઘરવેરા શાખાનું ટેક્સ ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે અને આ ટેક્સ કૌભાંડમાં પાલિકાના કેશિયર કમ ક્લાર્ક ને સસ્પેન્ડ કરી દેવાયો છે. પાલનપુર નગરપાલિકાની ઘર વેરા શાખા ઘણા સમયથી વિવાદોમાં છે ઘરવેરા શાખામાં ટેક્સ ચોરીનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. જોકે તાજેતરમાં જ આઈ.ડી અને પાસવર્ડ નો ઉપયોગ કરી અને ઘરવેરા શાખામાં ૭૦,૦૦૦ ની ઉચાપત બહાર આવી હતી. જેને લઈને પાલનપુર પાલિકાના ચીફ ઓફિસરે ઘરવેરા શાખામાં ફરજ બતાવતા કેસર ક્લાર્ક ઇરફાન સૈયદને સસ્પેન્ડ કરી દીધો છે.
ઘરવેરા શાખાના કેશિયરનું આઈ.ડી છે એટલે તેની જવાબદારી છે તેમ માનીને સસ્પેન્ડ કર્યો છે. પરંતુ મહત્વની બાબતે છે કે સસ્પેન્ડ કર્યા બાદ આ સમગ્ર મામલા માટે તપાસ કમિટી રચાઈ છે અને તપાસ કમિટીનો રિપોર્ટ જાન્યુઆરીમાં આવશે. જો કે આ સમગ્ર પ્રકરણમાં ઘરવેરા શાખાના અન્ય કર્મચારી અને કોર્પોરેટરની પણ સંડોવણી સામે આવી શકે છે. ઘરવેરા શાખામાં આઈ.ડી અને પાસવર્ડ નો દુરુપયોગ કરી અને ટેક્સ ચોરીનું કૌભાંડ સામે આવતા જેમની પર આરોપ છે તેવા ઘરવેરા શાખાના ક્લાર્ક એવા ઈરફાન સૈયદે પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં આ સમગ્ર ઘટનામાં તપાસ માટેની માગણી કરી છે.
પાલનપુર નગરપાલિકાના ઘરવેરા શાખાના ક્લાર્કનો ખુલાસો
પાલનપુર નગર પાલિકામાં ઘરવેરા શાખામાં કેશિયરની ભૂમિકા માત્ર ક્લાર્કની હોય છે. ઘરવેરા શાખાના આઇ.ડી અને પાસવર્ડ નો ઉપયોગ કોમ્પ્યુટર ઓપરેટર કરે છે પરંતુ તેમને આપવામાં આવતો નથી જેથી સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા ખોટી છે પોલીસ પાસે તપાસ માંગી છે અને જે પણ આમાં સામેલ હોય તેની સામે કાર્યવાહીની પણ માંગણી કરી છે.