ગરવીતાકાત,અમદાવાદ.(તારીખ:૦૬)

શહેરમાં અનેક ગેરકાયદેસર કોલ સેન્ટર આજે પણ ધમધમી રહ્યાં છે. વિદેશી નાગરિકોને છેતરતી ઠગ ટોળકીની કરતૂતોથી પોલીસ પણ વાકેફ છે. સરખેજ પોલીસે સાણંદ સર્કલ પાસે આવેલા સિગ્નેચર-2માં આવેલા બે જુદાજુદા બ્લોકમાં દરોડા પાડી બે કોલ સેન્ટરનો પર્દાફાશ કરી કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 લેપટોપ, ત્રણ કોમ્પ્યુટર, 13 મોબાઈલ ફોન અને એક મેજીક જેક ડિવાઈસ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. બંને કોલ સેન્ટર પૈકી એકનો સૂત્રધાર ઈમરાન પઠાણ અને બીજાનો અરશદ મેમણ છે.પકડાયેલા આરોપીઓ અમેરિકન નાગરિકોના ડેટા આધારે તેમનો સંપર્ક કરી તમારી લોન મજૂંર થઈ ગઈ છે તેમ જણાવી લોન પ્રોસેસ ફીના બહાને 500થી બે હજાર ડૉલર પડાવી લેતા હતા.સરખેજ પોલીસે બે જુદીજુદી ફરિયાદ નોંધી આરોપીઓની પૂછપરછ હાથ ધરી આ મામલે તપાસ શરૂ કરી છે. અમેરિકન નાગરિકોનો ડેટા આરોપીઓ ક્યાંથી લાવ્યા તેમજ વોલમાર્ટ-ગુગલ પ્લેના વાઉચરના નંબર મેળવી લઈ તે રકમ હવાલા દ્ધારા ભારતમાં કેવી તેમજ કોના થકી લાવે છે તે વિગતો જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે.
સરખેજ પોલીસે બાતમીના આધારે આજે વહેલી પરોઢ પહેલા સાણંદ સર્કલ પાસે આવેલા સિગ્નેચર-2ના બ્લોક એમાં આવેલી 202 નંબરની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસે ઈમરાન જલાલુદ્દીન પઠાણ (ઉ.39 રહે. ઈરમ રેસીડેન્સી, પાનસર રોડ, કલોલ), રાહુલ યાદવ (ઉ.20 રહે. એલઆઈજી-2, ઓઢવ પોલીસ ચોકી પાસે), શિવા રાજપૂત (ઉ.21 રહે. હરિકૃપા સોસાયટી, ગુરૂદ્ધારા પાસે, ઓઢવ), સાજીદ લંજા (ઉ.31 રહે. સેકટર-4, મહાદેવના મંદિર પાસે, ગાંધીનગર) અને પ્રશાંત રાજપૂત (ઉ.20 રહે. કર્મયોગ પાર્ક વિ-2, તક્ષશીલા સ્કુલ પાસે, વસ્ત્રાલ)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે લેપટોપ, બે હેડ ફોન, ત્રણ કોમ્પ્યુટર અને સાત મોબાઈલ ફોન કબ્જે લીધા હતા. પકડાયેલા આરોપીઓ આઈબીમ સોફક્ટવેરથી હેંગઆઉટ એપ્લીકેશનનો ઉપયોગ કરી આરોપીઓ અમેરિકન નાગરિકોને ફોન લોન મજૂંર થઈ ગઈ હોવાનું જણાવી હજારો ડૉલર પડાવતા હતા.પોલીસની એક અન્ય ટીમે સિગ્નેચર-2ના સી બ્લોકની 502 નંબરની ઓફિસમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી ચાર આરોપીઓ મળી આવ્યા હતા. અરશદ ફારૂકભાઈ મેમણ (ઉ.25 રહે. મસીરા સોસાયટી, કાદરી પાર્ટી પ્લોટ પાસે, સરખેજ), ઉર્વાન મન્સુરી (ઉ.23 રહે. સિદીકાબાદ કોલોની, સરખેજ મૂળ. ઈડર), ફરહાન પઠાણ (ઉ.26) અને યોગેશ અછરા (ઉ.25 બંને રહે. સિગ્નેચર હોટલ, સાણંદ સર્કલ પાસે મૂળ. ઉત્તરપ્રદેશ)ને ઝડપી લઈ પોલીસે ચાર લેપટોપ, 6 મોબાઈલ ફોન અને એક મેજીક જેક ડિવાઈસ કબ્જે લીધું હતું. ઠગ ટોળકી અમેરિકન નાગરિકોને લોન મજૂંર થઈ ગઈ છે તેમ જણાવી બેંક એકાઉન્ટમાં બોગસ ચેક જમા કરાવી પ્રોસેસ ફી તરીકે હજારો ડૉલરના વાઉચર નંબર મેળવી લેતા હતા.
Contribute Your Support by Sharing this News: