આજે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિત ભાજપ-કોંગ્રેસના 12 મહારથીઓનું ભાવિ નક્કી થશે.

અમદાવાદ :આજે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો (Gujarat VidhanSabha By Election 2019) ની પેટા ચૂંટણીનું પરિણામ (ByElectionsResults) જાહેર થયું છે. થરાદ, રાધનપુર, લુણાવાડા, ખેરાલુ, બાયડ અને અમરાઈવાડી પર  કોણ જીત્યું અને કોની થઈ હાર તેની તમામ અપડેટ્સ અહીં જાણો. હાલ કોંગ્રેસે બાયડ અને થરાદ બેઠક પર જંગી જીત મેળવી છે. તો અમરાઈવાડી, લુણાવાડા અને ખેરાલુ બેઠક પર ભાજપની જીત થઈ છે. ત્યારે હવે રાધનપુર બેઠક ભાજપે ગુમાવી છે. આમ, 6 બેઠકોમાંથી હાલ 3 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે, અને 3 બેઠક પર ભાજપનો વિજય થયો છે.

અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત: અમદાવાદની અમરાઈવાડી બેઠક પર છેલ્લી ઘડી સુધી રસાકસીભર્યો જંગ રહ્યો હતો. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ છેલ્લે સુધી લીડ કરી રહ્યા હતા, પરંતુ આખરે ભાજપના જગદીશ પટેલની જીત થઈ છે. ધર્મેન્દ્ર પટેલે જગદીશ પટેલને જોરદાર ટક્કર આપી હતી. આમ, અહીં ભાજપે પોતાની પરંપરાગત બેઠક જાળવી રાખી હતી.

રાઘનપુરમાં અલ્પેશ ઠાકોર હાર્યા: કોંગ્રેસ પક્ષ પરથી વિધાનસભાની સીટ જીતનાર અલ્પેશ ઠાકોરને ગણતરીના મહિનામાં જ રાધનપુરની જનતાએ જાકારો આપ્યો છે. પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા અને રાધનપુરથી સીટ મેળવીને લડનાર અલ્પેશ ઠાકોર 3000 વોટથી હાર્યા છે. તો કોંગ્રેસના રધુ દેસાઈએ જંગી જીત મેળવી છે. અલ્પેશ ઠાકોર પ્રથમ રાઉન્ડથી જ પાછળ ચાલી રહ્યા હતા. ત્યારે હવે ભાજપને પક્ષપલટોની નીતિ ભારે પડી હતી.

લુણાવાડા બેઠક પર ભાજપની જીત: ખેરાલુ બાદ ભાજપના ખાતામાં બીજી લુણાવાડા બેઠક આવી છે. લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જિશભાઇ સેવકની જીત થઈ છે. તેમણે 52144 મત મેળવ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે 35277 મત મેળવ્યા હતા. આમ, ભાજે લુણાવાડા બેઠક પર જંગી જીત મેળવી છે.

બાયડ બાદ થરાદમાં પણ કોંગ્રેસની જીત: બાયડ બાદ બાજપે થરાદ બેઠક પણ ગુમાવી છે. થરાદ બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જંગી જીત થઈ, તો ભાજપના જીવરાજભાઈ પટેલની હાર થઈ છે.

ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી: ભારે રસાકસીભર્યા જંગ બાદ બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જંગી સરસાઈથી જીત થઈ હતી. તો પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાલાની હાર થઈ હતી. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ જશુભાઈ પટેલ આગળ ચાલી રહ્યા હતા. તેઓએ એક પણ રાઉન્ડમાં ધવલસિંહને આગળ આવવા દીધા ન હતા. આમ, બાયડમાં કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી હતી. બાયડ બેઠક પર પોતાની હાર નિશ્ચિત દેખાતા ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી હતી. તેમણે કહ્યું કે, હજી બે બૂથનું મતદાન બાકી છે, તેનું વીવીપેટથી કાઉન્ટિંગ થઈ રહ્યું છે. કદાચ મારી હાર નિશ્ચિત દેખાઈ રહી છે, મારી જે હાર થઈ હોય તો હું સ્વીકારું છું. મેં ભાજપમાં વફાદારીથી કામ કર્યું છે. 2022માં ભાજપનો ભગવો લહેરાય તે માટે પ્રયત્નશીલ રહીશ. જશુભાઈના જીત બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ છવાયો હતો. મતગણતરી સેન્ટર બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા. બાયડમાં 700થી વધારે મતથી કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈની જીત થઈ છે.

ખેરાલુ બેઠક પર ભાજપની જીત: પેટાચૂંટણીમાં સૌથી પહેલા ખેરાલુ બેઠકના પરિણામ સામે આવ્યું છે. ભાજપના અજમલજી ઠાકોરની ખેરાલુ બેઠક પર ભવ્ય જીત થઈ છે. તો કોંગ્રેસના બાબુજી ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો છે. આ બેઠક પર ઘણુ ઓછું મતદાન થયું હતું. 20 રાઉન્ડના અંતે કુલ 96825 મત ગણતરી પૂર્ણ થઈ હતી. ભાજપના અજમલજી ઠાકોરને 60783 મત મળ્યા હતા. તો કોંગ્રેસના બાબુજી ઠાકોરને 31757 મત મળ્યા હતા. એનસીપીના પથુજી ઠાકોરને 1752 મત મળ્યા. તો નોટામાં 1818 મત પડ્યા છે. ભાજપના અજમલજી ઠાકોરે 29026 મતે જીત હાંસલ કરી છે. પોતાની જીત પર અજમલજીએ કહ્યું કે, ખેરાલુની સીટ પર જીત વિકાસના મત પર મળી છે. તમામ ભાજપના કાર્યકર અને મતદારોનો હું આભાર માનું છું.

બાયડમાં 2 ઈવીએમમાં ખામી સર્જાઈ: બાયડમાં જ્યાં કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહ્યું છે, અને બે 2 ઈવીએમની ગણતરી બાકી હતી. ત્યાં બંને ઈવીએમમાં ખામી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. બાયડના અલવા અને વિરણીયા ગામના વીવીપેટમાં ખામી સર્જાઈ છે. જેથી હવે સ્લીપોની ગણતરી કરાશે. વીવીપેટ મશીન કાઉન્ટિંગ સેશન પર લવાયા છે.

સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર: કુલ 6 સેન્ટર પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. દરેક સેન્ટર પર વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ હશે. દરેક સેન્ટર પર કાઉન્ટર આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. 6 બેઠકો પર સરેરાશ 55 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન થરાદ અને સૌથી ઓછુ મતદાન અમરાઈવાડીમાં નોંધાયું છે. થરાદમાં 68.95 ટકા, રાધનપુરમાં 62.95 ટકા, બાયડ 57.81 ટકા, લુણાવાડા 47.54 ટકા, ખેરાલુ 42.81 ટકા, જ્યારે સૌથી ઓછુ મતદાન અમરાઈવાડીમાં 31.53 ટકા મતદાન નોંધાયું છે. આ પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. રાધનપુર બેઠક પર કુલ 10 ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે. અહીં ગત વખતના કોંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં 7 ઉમેદવારો મેદાનમાં છે.

મુખ્યમંત્રીએ જીતની આશા વ્યક્ત કરી: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. પરિણામ જાહેર થાય તે પહેલાં જ સીએમ રૂપાણીએ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, તમામ 6 બેઠકો ભાજપ જ જીતશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ ભાજપની જ સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Contribute Your Support by Sharing this News: