પોલીસે ટેકનીકલ એનાલિસિસ કરીને વટવામાંથી આરોપી મોહમંદ આમીર શેખની ધરપકડ કરી
એકાઉન્ટ નંબર પર ડોનેશન કરનારને એનસીપીની બનાવટી સ્લિપ પણ આપવામાં આવી હતી
ગરવી તાકાત, અમદાવાદ,તા. 12 – એનસીપીના નામે બંધન બેંકમાં એકાઉન્ટ ખોલાવીને ડોનેશન માંગવાના કૌભાંડમાં સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીને વટવામાંથી ઝડપી પાડયો છે. જેમાં આરોપી એનસીપીના ભળતા નામે ખોટી કંપની ઉભી કરીને તે નામથી બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેમજ આરોપી જે લોકો ફંડ જમા કરાવે તેમને પાર્ટીની બનાવટી રસીદ પણ આપતો હતો. પોલીસે તપાસ કરતા 86 લોકો સાથે આ પ્રકારની ઠગાઇ આચરવામાં આવી હોવાનું સામે આવી હોવાનું સામે આવ્યું છે. તેમજ આરોપી જે રકમ ડોનેશનમાં આવે તેની 10 ટકા રકમ મેળવી બાકીના રૂપિયા પરત આપતો હતો.
બોડકદેવમાં રહેતા હેમાંગભાઇ હર્ષદભાઇ શાહ છેલ્લા પાંચ વર્ષથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ખજાનચી તરીકે કામ કરે છે. રાજકીય પક્ષોને મળતા ડોનેશન પર ઇન્કમટેકસમાંથી 100 ટકા રિબેટ મળે છે. જેથી એક ગઠિયાએ સોશ્યલ મીડિયા પર એનસીપીના નામે એક બેંક એકાઉન્ટની માહિતી મુકી હતી.
તે એકાઉન્ટમાં એનસીપીના નામે ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇને હેમાંગભાઇએ તપાસ કરતા જે એકાઉન્ટ નંબર એનસીપીના નામે સોશ્યલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો હતો તે એકાઉન્ટ નંબર બંધન બેંકનો હતો. આટલું જ નહીં આ એકાઉન્ટ નંબર પર ડોનેશન કરનારને એનસીપીની બનાવટી સ્લિપ પણ આપવામાં આવી હતી. જેથી આ અંગે હેમાંગભાઇ શાહે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ટેકનીકલ એનાલિસિસ કરીને વટવામાંથી આરોપી મોહમંદ આમીર શેખની ધરપકડ કરી હતી. આરોપીની પુછપરછ કરતા આરોપીએ ચૂંટણી ફંડના નામે લોકો પાસેથી ટેકસ બેનીફિટ આપવાની લાલચ આપીને તે છેલ્લા છ મહિનાથી એકાઉન્ટ ખોલી સોશ્યલ મીડિયા પર જાહેરાત કરીને 86 લોકો પાસેથી એનસીપીના નામે રૂપિયા પડાવ્યા છે. આરોપી એનસીપીના નામે બનાવટી પહોંચ પણ આપતો હતો. તેમજ પોલીસે બંધન બૈંકના એકાઉન્ટની તપાસ કરતા તેમાં નવેમ્બર ર0ર3 બાદ કુલ ર.80 કરોડ જમા થયા હતા. તેમજ આ અંગે અન્ય લોકોની પણ સંડોવણી સામે આવી શકે તેમ છે. હાલમાં સાયબર ક્રાઇમે આવકવેરા વિભાગને આ અંગે માહિતી આપીને તપાસ શરૂ કરી છે.