ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે લાખો ભક્તો માં અંબેના દર્શન કરવા હાલ પગપાળા અંબાજી જઈ રહ્યાં છે
વડગામના ફતેગઢ ગામના મુસ્લિમ બિરાદરો અને હિન્દૂ ભાઈઓ દ્વારા પગપાળા જતા હિન્દૂ લોકો માટે સેવા કેમ્પ ખોલીને સેવા કરવામાં આવી રહી છે
ગરવી તાકાત, બનાસકાંઠા : ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે લાખો ભક્તો માં અંબેના દર્શન કરવા હાલ પગપાળા અંબાજી જઈ રહ્યાં છે.ત્યારે પગપાળા ચાલતા જતા લોકોની સેવા માટે રસ્તામાં વિવિધ સેવા કેમ્પ લગાવવામાં આવ્યા છે. ત્યારે વડગામના ફતેગઢ ગામના મુસ્લિમ બિરાદરો અને હિન્દૂ ભાઈઓ દ્વારા પગપાળા જતા હિન્દૂ લોકો માટે સેવા કેમ્પ ખોલીને સેવા કરવામાં આવી રહી છે..આ કેમ્પમાં મુસ્લિમ બિરાદરો અંબાજી જતા હિન્દૂ ભક્તોને પ્રેમથી આવકારી ચા-નાસ્તો અને મેડિકલ સેવાઓમાં વિવિધ દવાઓ પુરી પાડી રહ્યા છે.
અંબાજી પગપાળા જતાં યાત્રિકો માટે રસ્તાઓમાં હિન્દૂ સમાજના લોકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક કેમ્પો બનાવવામાં આવ્યા છે તેમાં ભક્તોને ચા, પાણી થી લઈને જમવા અને રહેવાની સગવડો આપવામાં આવી રહી છે ત્યારે વડગામ તાલુકાના ફતેગઢ ગામના મુસ્લિમ બિરાદરોએ પણ ધર્મના ભેદભાવ રાખ્યા વગર અંબાજી પગપાળા જતા હિન્દૂ લોકો માટે ગામના હિન્દૂ ભાઈઓ સાથે મળીને સેવા કેમ્પ ખોલ્યો છે અને તેમાં ચા, પાણી અને નાસ્તા સહિત મેડિકલની સગવડ ઉભી કરીને યાત્રિકોને આવકારીને તેમની સેવા કરી રહ્યા છે ભાદરવી પૂનમનો મેળો હિન્દૂઓ માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યારે કેમ્પમાં સેવા આપી રહેલા મુસ્લિમો કહી રહ્યા છે કે અમે કોઈ ધર્મ કે નાતજાતમાં માનતા નથી.
માં અંબા પ્રત્યે શ્રદ્ધા રાખીને લોકો દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે ભક્તોની સેવા કરવીએ અમારી ફરજ છે.કોઈપણ ધાર્મિક અસ્થામાં કોઈ નાતજાત કે ધર્મ બાધા રૂપ ન થવો જોઈએ..અમને અંબાજી જતા હિન્દૂ ભાઈઓની સેવા કરીને અનહદ ખુશી થઈ રહી છે… ભક્ત એ ભકત જ છે પછી તે કોઈ પણ ધર્મ અને નાતનો હોય તેની સેવા કરવી એ માનવતા છે તેથી અમે અંબાજી જતા ભક્તોની સેવા કરીયે છીએ અમે દેશમાં ભાઈચારો અને એમન રાખવા માંગીએ છીએ ભક્તો પણ અમારા જ ભાઈઓ છે અને તેમને તકલીફ ન પડે તે અમારી ફરજ છે.
આયોજક મુસ્લિમ બિરાદર અબ્દુલરહીમ સેલિયા જણાવ્યું કે, હિન્દૂ ભક્તો અંબાજી જીઇ રહ્યા છે તેમને કોઈ પણ અગવડ ન પડે તે માટે અમે કેમ્પ ખોલ્યો છે અને તેમની સેવા કરીયે છીએ.. અને ધર્મની અસ્થામાં કોઈ ભેદભાવ રાખતા નથી. તો અન્ય આયોજક પ્રદીપ પરમારે જણાવ્યું કે, અમે મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ગામમાં સેવા કેમ્પનું આયોજન કરેલ છે.