ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના વડનગર તાલુકાના જમીન દલાલે ત્રણ શખ્સોને આપેલા રૂ.86 લાખ વારંવાર ઉઘરાણી કરવા છતાં પાછા નહીં આપતાં ઊભી થયેલી આર્થિક સંકડામણને લીધે મંગળવારે બપોરે વડનગરના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સત્કાર હોટલ આગળ ઝેરી દવા ગટગટાવી દીધી હતી. જેમને તાત્કાલિક સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આપઘાત કરતાં પહેલાં આ શખ્સે લખેલી ચિઠ્ઠીમાં ત્રણ શખ્સોને આપેલા રૂ.86 લાખ પરત નહીં આવતાં આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હ્તો . પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ આધારે ત્રણ શખ્સો સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગામના પ્રવિણભાઈ પુંજનભાઈ રાવળ જમીન દલાલનો ધંધો કરતા હોઈ કેસીમ્પાના મોમીન ઈસ્માઈલ (સોની), રસુલપુરના મોમીન રોશનઅલી સુલેમાનભાઈ અને ઇડરના માઢવા ગામના ચૌહાણ રંગુસિંહ શિવસિંહ સાથે પરિચયમાં હોઈ તેમની વચ્ચે પૈસાની લેવડ-દેવડ થતી હતી. થોડા દિવસ અગાઉ પ્રવિણભાઈ પાસેથી મોમીન ઈસ્માઈલ (સોની) અને મોમીન રોશનઅલી સુલેમાનભાઈએ 70 લાખ ઉછીના લીધા હતા. રંગુસિંહ ચૌહાણે પણ રૂ.16 લાખ ઉછીના લીધા હતા. જોકે, ત્રણેય શખ્સો પાસે પૈસાની ઉઘરાણી કરવા છતાં રોજેરોજ બહાના બતાવતા હતા. આટલી મોટી ઉઘરાણી નહીં આવતાં પ્રવિણભાઈ પોતે આર્થિક મુશ્કેલી વધી જતાં હતાશ થઈ ગયા હતા.
દરમિયાન, મંગળવારે બપોરે તેઓ સ્યુસાઈડ નોટ લખી વડનગર આવ્યા હતા અને રોશનઅલીની દુકાને આવી પૈસાની ઉઘરાણી કરી નહીં આપતાં ઝેરી દવા પી લેતાં ઢળી પડ્યા હતા. આથી તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે સ્યુસાઈડ નોટ અને મૃતકની ફરિયાદ આધારે ત્રણે શખ્સો સામે આપઘાત માટે દુષ્પ્રેરણ અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
— આ ત્રણ સામે ફરિયાદ નોંધાઇ : (1) મોમીન ઈસ્માઈલ (સોની રહે.કેસીમ્પા)(2) મોમીન રોશનઅલી સુલેમાનભાઈ ( રસુલપુર) (3) ચૌહાણ રંગુસિંહ શિવસિંહ (માઢવા,તા. ઈડર)