હથિયારોનું નેટવર્ક પકડી પાડવામાં આવ્યાના બીજા જ દિવસે ડ્રગ્ઝ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું
25 કિલોથી વધુ એમ.ડી. ડ્રગ્ઝ કબ્જે કર્યું છે. 10 લોકોની ધરપકડ કરવામાં આવી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 27 – લોકસભાની ચૂંટણીમાં ધમધમાટ વચ્ચે એટીએસ દ્વારા હથિયારોનું નેટવર્ક પકડી પાડવામાં આવ્યાના બીજા જ દિવસે ડ્રગ્ઝ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. ગાંધીનગર નજીકથી એક અને રાજસ્થાનમાંથી બે મળીને કુલ ત્રણ ડ્રગ્ઝ ફેક્ટરી પકડી પાડીને 25 કિલોથી વધુ એમ.ડી. ડ્રગ્ઝ કબ્જે કર્યું છે. 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત તથા રાજસ્થાનમાં મસમોટુ ડ્રગ્ઝ નેટવર્ક ચાલી રહ્યાની બાતમીના આધારે ગુજરાત એટીએસ તથા નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. ગાંધીનગર તથા રાજસ્થાનમાં અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો અને કેફી દ્રવ્યોનો કારોબાર કરતી ત્રણ ફેક્ટરીઓનો પર્દાફાશ કર્યો હતો..
ગાંધીનગરની ફેક્ટરીમાં જ ડ્રગ્ઝ બનાવીને સપ્લાય કરવામાં આવતું હતું. જ્યાંથી 25 કિલોથી વધુનો ડ્રગ્ઝનો જથ્થો કબ્જે કરાયો હતો. અગાઉ દહેગામમાંથી પણ કેમીક્લ્સના નામે ધમધમતી ડ્રગ્ઝ ફેક્ટરીનો ખુલાસો થયો હોવાનું ઉલ્લેખનીય છે.
ચૂંટણી ટાણે જ ડ્રગ્ઝ ફેક્ટરી ઝડપાવા સાથે નેટવર્કનો ખુલાસો થતાં સનસનાટી મચી છે. એટીએસ દ્વારા ગઇકાલે જ હથિયારોની હેરાફેરીના નેટવર્કનો ખુલાસો કર્યો હતો અને આ 25 હથિયારો-કાર્તુસ સાથે રાજકોટના બે સહિત 6 શખ્સોની ધરપકડ કરી હતી.