3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગર પાલિકાની સાથે-સાથે રાજ્યમાં ખાલી પડેલી, નગરપાલિકા, તાલુકા પંચાય અને જિલ્લા પંચાયતની બેઠક પર પણ મતદાન થયું હતું. ત્યારે ગાંધીનગરમાં ઈતિહાસમાં પહેલી વખત બહુમતી સાથે ભગવો લહેરાયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા ભાજપે કબજે કરી છે અને ત્યાં જીતની ઉજવણી પણ શરૂ થઇ ગઈ છે. ત્યારે બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ખાલી બેઠકોની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં ગાબડું પડ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે. આ બે બેઠકની જવાબદારી પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર રાજકોટ જિલ્લા પંચાયતની શિરાજપુર બેઠકના સભ્યનું કોરોનાની મહામારીના અવસાન થયું હતું. તેથી આ બેઠક ખાલી હતી. આ બેઠકમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે વીનુ મોણીયા અને ભાજપે ઉમેદવાર તરીકે છગન તાવીયાને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર વીનુ મોણીયાની ભાજપના ઉમેદવારની સામે 2084 મતથી જીત થઇ હતી. ભાજપના ઉમેદવારને 3537 મત મળ્યા હતા અને કોંગ્રસના ઉમેદવારને 5621 મત મળ્યા હતા.
આ પણ વાંચો – ગાંધીનગર મહાનગરપાલીકામાં ભાજપનો ભવ્ય વિજય, આપનુ ખાતુ ખોલ્યુ !
તો બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી બેઠકના સભ્યનું પણ કોરોનાની મહામારી વચ્ચે અવસાન થયું હતું. તેથી આ બેઠકની પેટાચૂંટણીનું મતદાન પણ 3 ઓક્ટોબરના રોજ યોજવામાં આવ્યું હતું. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે શારદા ધડુકને મેદાનમાં ઉતાર્યા હતા અને ભાજપે રસીલા વેકરીયાને મેદાને ઉતાર્યા હતા. પરિણામ આવતા કોંગ્રેસના ઉમેદવાર શારદા ધડુકની જીત ભાજપના ઉમેદવાર રસીલા વેકરીયા સામે 335 મતથી થઇ હતી. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 4768 અને કોંગ્રેસના ઉમેદવારને 5103 મત મળ્યા હતા.
તો બીજી તરફ ઉપલેટા નગરપાલિકાના બોર્ડ નંબર ૫માં ભાજપના મહિલા ઉમેદવારનું અવસાન થયું હતું. તેથી આ બેઠક માટે પણ પેટાચૂંટણી જાહેર થઇ હતી. તેમાં કોંગ્રેસ મહિલા ઉમેદવાર દક્ષા વેકરીયાએ ભાજપના ઉમેદવાર કૃણાલ સોજીત્રાને 213 મતથી હરાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર દક્ષા વેકરીયાને 1098 મત મળ્યા હતા અને કૃણાલ સોજીત્રાને 885 મત મળ્યા હતા. મહત્ત્વની વાત છે કે, રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર આ બંને બેઠક જસદણમાં આવે છે. તેથી તેની જવાબદારી પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાને સોંપવામાં આવી હતી. પણ તેઓ આ બેઠક ભાજપને જીતાડવામાં સમર્થ ન રહ્યા તેમના ગઢમાં ગાબડું પડ્યું અને તેનો સીધો ફટકો વિજય રૂપાણીના હોમટાઉનમાં પડ્યો છે.
(એજન્સી)