કોરોના વાયરસની રસી વિદેશી દેશોમાં મોકલવાના મુદ્દે વિપક્ષે ભાજપ પર નિશાન સાધ્યું છે. આ અંગે ભાજપે સ્પષ્ટ કર્યું છે કે રસીઓ પાડોશી દેશોને મદદ માટે મોકલવામાં આવી હતી. આ સાથે ભાજપે દલીલ કરી છે કે પાડોશીઓને કોરોનાથી બચાવવાની જવાબદારી આપણી છે.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સતત મુદ્દો ઉઠાવતી રહે છે કે, અત્યાર સુધીમાં લગભગ 6.6 કરોડ રસી ભારતની બહાર મોકલવામાં આવી છે. આ અંગે બીજેપી પ્રવક્તા સંબીત પાત્રાએ કહ્યું છે કે બે કેટેગરીમાં વિદેશમાં રસી મોકલવામાં આવી છે. પ્રથમ કેટેગરી મદદ રૂપે હતી જેમાં 1 કરોડ રસી મોકલવામાં આવી હતી. અને બીજી 5 કરોડથી વધુ રસી જવાબદારીના ભાગરૂપે મોકલવામાં આવી હતી.
સંબીત પાત્રાએ સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે, આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના રાહુલ ગાંધી આ મુદ્દે ભ્રમ ફેલાવી રહ્યા છે. અમે અત્યાર સુધી પાડોશી દેશોનો 78.5 લાખ વેક્સિનની મદદ કરી છે. ત્યારે બાકી 2 લાખ ડોઝ યુએનની પીસ કીપીંગ ફોર્સને આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા રસીનો ફોર્મુલા બધી કંપની માટે ઓપન કરવાની માંગ કરવામાં આવી હતી તેનો જવાબ આપતા ભાજપે કહ્યુ હતુ કે, રસીની લાઇસન્સ આપવાનો મુદ્દો ખૂબ જટિલ છે. કોવિશિલ્ડ પાસે એસ્ટ્રાઝેનેકા સાથેનું લાઇસન્સ છે. ત્યારે કોવેક્સિનનુ લાઇસન્સ ભારત પાસે છે, પરંતુ તેનું નિર્માણ ખૂબ જ અલગ રીતે કરવામાં આવ્યું છે. અને બીજી કંપનીમાં અત્યારે તેનુ નિર્માણ ના થઈ શકે. બંને કંપનીઓએ રસી ઉત્પાદન માટે કેટલાક દેશોમાંથી કાચો માલ લીધો હતો. તેમણે તે દેશો સાથે કરાર કર્યા હતા, તે કરારો હેઠળ તેમને 5.5 કરોડ ડોઝ મોકલવામાં આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની કોવેક્સ સુવિધામાં 30% રસી આપવી ફરજિયાત હતી, જેથી તે જવાબદારી પણ પૂરી કરવામાં આવી હતી.