પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક કૌભાંડોનો અડ્ડો બની ગયો હોય તેમ એક બાદ એક કૌંભાડ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ યુનિવર્સિટીના એમબીબીએસમાં થયેલા કૌભાંડનો મામલો કારોબારી સમિતીની યોજાયેલી બેઠકમાં પ્રકાશમાં આવતા અને આ કૌભાંડ મામલે તટસ્થ તપાસ થાય અને કૌભાંડમાં સંડોવાયેલાને નસિયત કરવામાં આવે તે માટે શિક્ષણ મંત્રી દ્વારા ગૃહ વિભાગ ને આ મામલે તપાસ સોંપવામાં આવી હતી. આ કૌભાંડમાં ભાજપના નેતાના પુત્રને પણ નાપાસ હોવા છતા પાસ કર્યો હોવાનુ સામે આવ્યુ છે. જેની તપાસ ચાલી રહી હતી તે દરમ્યાન કોરોના મહામારીને કારણે તપાસ ધીમી પડી ગઈ હતી. પરંતુ હવે ફરીથી આ કૌભાંડ ની તપાસનો ધમધમાટ પુનઃ શરૂ કરવામાં આવ્યો છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ધારપુર મેડીકલ કોલેજના 3 વિદ્યાર્થીઓની પરીક્ષામાં સેટીંગ થયાનો ઘટસ્ફોટ થતાં દોડધામ મચી ગઇ છે. એક વિદ્યાર્થીએ કરેલી રજૂઆત બાદ 2 સભ્યોએ કરેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં પાટણના 2 અને પાલનપુરના 1 સહિત કુલ 3 વિદ્યાર્થીઓના એમબીબીએસના પ્રથમ વર્ષના 6 પેપરમાં મોટી ગેરરીતિ સામે આવી છે. ત્રણેય વિદ્યાર્થીઓનું ઓળખાણ ઉત્તરવહી બદલાવી શકાય તેટલું ન હોઇ કૌભાંડમાં સ્થાનિક નેતાઓ સાથે સંબંધો પણ બહાર આવે તેવી પુરેપુરી શક્યતા છે. આ મામલે ગત 24 મી માર્ચેનાં રોજ મળેલી યુનિવર્સિટીની કારોબારીની બેઠકમાં અધુરી ચર્ચાઓ બાદ તેની ઉત્તરવહીઓ સીલ કરી દેવામાં આવી હતી. જે ઉત્તરવહીઓ ગૃહવિભાગને સોંપવામાં આવી હતી . પરંતુ કોરોના મહામારીના કારણે આ મામલે તપાસ મંદ બની હતી. હવે કોરોનાની બીજી લહેર ઓછી થતાં ગૃહ વિભાગના તપાસ અધિકારી દ્વારા આ કૌભાંડની સાચી હકીકતો બહાર લાવવા સઘન તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે. કૌભાંડ મામલે બુધવારે યુનિવર્સિટી કા. રજીસ્ટાર ડો. ડી.એમ.પટેલને પૂછતા તેઓએ માત્રને માત્ર ગત કારોબારી સમિતિની ચર્ચાને આગળ ધરી સમિતિ દ્વારા તપાસ કરવામાં આવેલ કૌભાંડની અધુરી ચર્ચા બાદ ઉત્તરવહીઓને સીલ કરી દેવામાં આવી હોવાનું જણાવી આ મામલે ગૃહવિભાગ દ્વારા જે – તે તપાસ થયા બાદ જ કૌભાંડની સાચી હકીક્ત બહાર આવશે તેમ જણાવ્યું હતું.
આ કેસમાં જે ત્રણ વિધાર્થીઓને નાપાસ હોવા છતા પાસ કરાયા છે તે પૈકી એક પાલનપુર ભાજપના અગ્રણી નેતા હંસાબેન અશોકભાઈ મહેશ્વરીનો પુત્ર હોવાનુ સામે આવ્ચુ છે.
યુનિવર્સિટી એમબીબીએસ પરીક્ષા કૌભાંડ મામલે બુધવારના રોજ યુનિવર્સિટી પાસેથી ગૃહ વિભાગના તપાસ અધિકારી દ્વારા મંગાવવામાં આવેલા જરૂરી પુરાવાઓ કે જે યુનિવર્સિટી ખાતે સીલ કરવામાં આવ્યા હતા. સીલ કરાયેલાં પુરાવા બુધવારની સાંજે યુનિ.ના કુલપતિ ડો.જે. જે.વોરા, કા. રજિસ્ટાર ડો. ડી. એમ. પટેલ, પરીક્ષા નિયામક મિતુલ દેલિયા, ઈસી મેમ્બર શૈલેષભાઇ પટેલ, હરેશભાઇ ચૌધરી, અશોક શ્રોફ સહિતની હાજરીમાં ખોલી જરૂરી પુરાવાઓ યુનિવર્સિટીએ હસ્તગત કરી તપાસ કરતાં અધિકારીને મોકલી આપવામાં આવશે.