વિસનગર એપીએમસીની ચુંટણીમાં આજે મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ચુંટણી મતદાન દરમ્યાન ભાજપ દ્વારા ગેરરીતી આચરવામાં આવતાં આમ આદમી પાર્ટીએ ચુંટણી રદ કરવાની માંગ ઉઠાવી છે. જેમાં ભાજપ ઉપર મતદારોને ચુંટણી દરમ્યાન ચીઠ્ઠીઓ આપી વોટીંગ કરવા મોકલ્યાનો આરોપ લાગ્યો છે.
વિસનગર APMC ની ચુંટણીમાં ખેડુત વિભાગની 10 બેઠકો માટે 48 ફોર્મ ભરાયા હતા. તો ખરીદ વેચાણ વિભાગની 02 બેઠકો સામે 6 ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા જેથી આ બે વિભાગો પર ચુંટણી યોજાઈ છે. જેમાં ખેડુત વિભાગની 16 પૈકી 10 બેઠકો પર ભાજપ અને આપ વચ્ચે ચુંટણી યોજાઈ રહી છે. જેમાં કુલ 848 મતદારો પૈકી 846 મતદારોને વોટ કરવાના હતા. આ વોટીંગ દરમ્યાન ભાજપે ગેરરીતી આચરી હોવાનો આક્ષેપ આપ દ્વારા કરવામાં આવતાં હંગામો મચી ગયો હતો. જેમાં ભાજપે મતદારોને ચીઠ્ઠી આપી મતદાન કરવા મોકલ્યા હતા. જેથી ભાજપના ઉમેદવારના નામ અને અનુ્ક્રમ નંબર યાદ રહે. આથી AAP દ્વારા આ ચીઠ્ઠીઓના ફોટા પાડી સબુત રજુ કરી ચુંટણી રદ કરવા રજુઆત કરી છે.
આ મામલે જીલ્લા રજીસ્ટ્રાર/ચુંટણી અધિકારીનુ નિવેદન સામે આવ્યુ છે. જેમાં તેમને બચાવ કરતાં કહ્યુ હતુ કે, ભાજપ દ્વારા મતદારની અનુકૂળતા માટે વિવિધ પેનલ આવી સ્લીપ છપાવે છે. પરંતુ આ પ્રકારની સ્લીપ સાથે આવેલા મતદારની સ્લીપ પરત લઈ લેવાઈ છે. અને મતદાન કુટીરમાં મતદાર શુ કરે છે તે જોઈ શકાતુ નથી. જેથી તેમને ક્યાં વોટ આપ્યો તેનો કોઈ સવાલ જ પેદા નથી થતો. આમ કહી જીલ્લા રજીસ્ટ્રારે ચુંટણી રદ કરવાની માંગના છેડ ઉડાડી દીધા હતા.