ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાના પેપરલીક મામલે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરના કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ દરમ્યાન પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓ સહીત કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો. જેમાં પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને ઈજાઓ પહોંચી હતી. આ આંદોલન વધુ તેઝ બને એ પહેલા જ ગુજરાત પોલીસે કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરી અટકાયત કરી લેવામાં આવી હતી. રાજ્યમાં ફરીવાર એક પરીક્ષાનુ પેપર ફુટતા ભાજપ સરકાર પર માછલા ધોવાયા છે. આ મામલે વિરોધ પક્ષો ભાજપ ઉપર તીખા પ્રહારો કરી રહ્યા છે. જેમાં આજ રોજ આમ આદમી પાર્ટીએ ગાંધીનગરના કમલમ ખાતે ધરણા કર્યા હતા. પાર્ટીનો આરોપ છે કે, આ પેપર કોભાંડમાં ભાજપના મોટા નેતાઓની સંડોવણી હોવા છતાં તપાસમાં ઢીલ વર્તાઈ રહી છે. જેથી તેઓએ નિષ્પક્ષ તપાસની માંગ કરી પ્રદર્શન કર્યુ હતુ. પ્રદર્શન દરમ્યાન ગોપાલ ઈટાલીયા, ઈશુદાન ગઢવી, પ્રવિણ રામ સહીતના નેતાઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સામેલ રહ્યા હતા. હેડક્લાર્કની પરીક્ષાનુ પેપર ફુટ્યા બાદ પહેલા તો રાજ્ય સરકારે પેપરલીક મામલે ઈનકાર કર્યો હતો. બાદમા મામલો વધુ ગરમાયો હોવાથી સાંબરકાંઠાના પ્રાંતિઝમાં 10 આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસના લગભગ તમામ આરોપી BJP/RSS સાથે સંકળાયેલ હોવાનુ પણ સામે આવ્યુ છે. જેથી ભાજપના મોટા નેતાઓની સંડોવણીને નકારી શકાય એમ નથી. તેમ છતાં આમ આદમી પાર્ટીના આરોપ મુજબ પોલીસ તપાસમાં ઢીલ વર્તાઈ રઈ છે. આથી આમ આદમી પાર્ટીએ વિધાર્થીના સમર્થનમાં નિષ્પક્ષ તપાસની માંગ સાથે પ્રદર્શન કર્યુ હતુ. પરંતુ પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર લાઠી ચાર્જ તથા અટકાયત કરી ડેમેઝ કન્ટ્રોલનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગોપાલ ઈટાલીયાને પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ પ્રદર્શન દરમ્યાન મહિલા કાર્યકર્તાઓને પણ ઈજાઓ પહોંચી હતી. જેમાં સીવીલ ડ્રેસમાં કેટલાક શખ્સો દ્વારા પ્રદર્શનકારીઓ સાથે હાથાપાઈ કરાઈ હતી. કેટલાકના માથા ફુટ્યા તો કેટલાક બેહોશ જેવા થઈ ગયા હતા. AAPના ડો. સફીને ટ્વીટર પર આ મામલે લખ્યુ હતુ કે, ભાજપના ગુંડાઓને કોઈ પણ પ્રકારની શરમ નથી. તેઓએ આમ આદમી પાર્ટીની મહીલા કાર્યકર્તાઓને પણ બક્શી નહી. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભાજપના ગુંડાઓના હુમલાથી 50 થી વધુ કાર્યકર્તાઓને ઈજાઓ પહોંચી હોવાથી તેમને ગાંધીનગર સીવીલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પ્રદર્શન દરમ્યાન આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તાએ આરોપ મુક્યો હતો, કે પોલીસ સાથે મળી ભાજપના લોકો પણ ઈશુદાન ગઢવીને માર મારી રહ્યા છે. આ મામલે ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ભ્રષ્ટાચારમાં લથપથ ભાજપના રાજમાં વારંવાર થતા પેપરલીકથી ત્રસ્ત લાખો યુવાનોની વેદનાને વાચા આપવા અમે રામધૂન કરી અહિંસક રીતે ભાજપ કાર્યાલયનો ઘેરાવ કર્યો. પરંતુ રામધૂન સહન ન થતા ભાજપના બેશરમ ગુંડાઓએ ભાજપના કાર્યાલયમાં રાખેલ લાઠીઓ કાઢીને હિંસક હુમલો કર્યો.