વિજાપુર પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારની કામગીરી સૌ કોઈ વખાણી રહ્યા છે
રણાસણ ગામ નજીક રોડ પર પસાર થતા સમયે એક મહિલાને અકસ્માત નડ્યો હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 28 – મહેસાણા જિલ્લામાં લોકસભા અને વિજાપુર બેઠક પર વિધાનસભાની ચૂંટણી ને લઈ ઉમેદવારો પ્રચારમાં જોડાયા છે. ત્યારે હાલમાં ગામે ગામ ઉમેદવારો સભાઓ ગજવી રહ્યા છે. આવા માહોલ વચ્ચે વિજાપુર પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારની કામગીરી સૌ કોઈ વખાણી રહ્યા છે. ઉમેદવાર પ્રચારમાં જતા હતા. એ દરમિયાન રોડ પર એક અકસ્માતની ઘટના બની હતી. જે અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાને કોંગ્રેસના ઉમેદવારે પોતાની ગાડીમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
મહેસાણા જિલ્લાના વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ આજે સવારે પોતાના કાર્યકરો સાથે પ્રચારમાં નીકળ્યા હતા. એ દરમિયાન રણાસણ ગામ નજીક રોડ પર પસાર થતા સમયે એક મહિલાને અકસ્માત નડ્યો હતો. જેથી તે મહિલા લોહીલુહાણ હાલતમાં રોડ પર બેભાન અવસ્થામાંમાં હતી જ્યાં દિનેશ પટેલ પસાર થતા દરમિયાન ઘટના જોતા જ રોકાઈ ગયા હતાં અને મહિલા ને પોતાની ગાડીમાં બેસાડી પોતે અન્ય ગાડીમાં બેસી તેઓ વિજાપુર સિવિલ ખાતે મહિલાને સારવાર માટે લઈ ગયા હતા.
ઈજાગ્રસ્ત મહિલાની મદદ દરમિયાન ઉમેદવારના કપડાં પણ લોહીલુહાણ થયા હતા. કાર્યકર નરેન્દ્ર ભાઈએ ભાસ્કરને જણાવ્યું હતું કે, મહિલા ગાંધીનગર થી આવતી હતી. ત્યારે રણાસણ નજીક બમ્પ પર પટકાતા અકસ્માત નડ્યો હતો. જેથી મહિલા બેભાન થઈ હતી. જોકે, દિનેશ પટેલે તેઓને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. હાલમાં મહિલાના પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા છે. તેમજ કોંગ્રેસના કેટલાક કાર્યકરો ત્યાં હાજર છે અને હાલ મહિલાની સારવાર ચાલુ છે.