ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

અમરકંટકની પહાડીઓમાંથી નીકળી કાંટીયાજાળ નજીક અરબી સમુદ્રમાં વિલિન થતી મા નર્મદાની જન્મજયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. મા નર્મદા સદાય અને સતત વહેતી રહે તેવી પ્રાર્થના સાથે નર્મદા મૈયાની આરાધના કરવામાં આવી હતી.

ગંગા નદીમાં ડુબકી લગાવવાથી માનવીના પાપ દુર થાય છે પણ પુણ્ય સલિલા મા નર્મદાના દર્શન માત્રથી માનવીઓના પાપ દુર થતાં હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. મધ્યપ્રદેશમાં આવેલાં અમરકંટકના પહાડોમાંથી વહી ભરૂચ નજીક અરબી સમુદ્રને મળતી નર્મદા નદીની જન્મજયંતિની ભકિતસભર માહોલમાં ઉજવણી કરાઇ હતી. ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ પાસે આવેલાં નર્મદા માતાજીના મંદિર ખાતે નર્મદા માતાજીની પ્રતિમાને દુધનો અભિષેક કરવામાં આવ્યો હતો. નર્મદા મૈયા સદાય વહેતી રહે અને તેના જળથી માનવીઓ અને પશુઓનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. નર્મદા જયંતિના પાવન અવસરે નર્મદા તટે આવેલાં દેવાલયો તેમજ આશ્રમોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. જેનો શ્રધ્ધાળુઓએ લાભ લીધો હતો.