ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ધનપુરા-ઢોળીયા ગામના ખેડૂત પ્રભુજી સોલંકીના પરિવારને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મળ્યો પ્રભુજી સોલંકીનું 18 માર્ચ 2025ના રોજ આરોગ્ય સમસ્યાઓને કારણે અવસાન થયું. વાર્ષિક માત્ર 436 રૂપિયાના પ્રીમિયમથી 2 લાખનો જીવન વીમો ધરાવતા પ્રભુજીના પુત્ર કિશનજી સોલંકીએ વીમા દાવો નોંધાવ્યો.

બેંક ઓફ બરોડા, ઇકબાલગઢ શાખા અને ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીની ઝડપી કાર્યવાહીથી થોડા દિવસોમાં જ વીમાની રકમ ચૂકવાઈ. જિલ્લા લીડ બેંક મેનેજર હેમંત ગાંધીએ લોકોને ગ્રામ પંચાયત શિબિરો કે બેંકમાં જઈને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના અને રી-કેવાયસીનો સમાવેશ થાય છે.
![]()
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 18થી 50 વર્ષના બેંક ખાતાધારકો માટે ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ કુદરતી કે અકસ્માત મૃત્યુના કિસ્સામાં વારસદારને વીમાનો લાભ મળે છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને આર્થિક સુરક્ષા આપવા માટે શરૂ કરાયેલી આ યોજનાએ અનેક પરિવારોને મુશ્કેલ સમયમાં આધાર પૂરો પાડ્યો છે.


