ગરવી તાકાત ગાંધીનગર : એક તરફ ગાંધીનગરમાં આદિવાસી સંમેલન યોજાયું છે અને સરકારના કાને વાત નાખવા સેંકડો લોકો એકત્ર થયા છે તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકોની સમસ્યા સાંભળવા વડોદરા પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સવારે30 વાગ્યે વડોદરાના આજવા રોડ સ્થિત એકતાનગર ઝુપડપટ્ટીની અચાનક જ મુલાકાત લઇ પ્રશ્નો સાંભળ્યા હતા. CMને પોતાના વિસ્તારમાં જોઇને સ્થાનિક લોકો ખુશ થઈ ગયા હતા અને કહ્યું કે સાહેબ અહીં ગરીબ લોકો માટે પાણી અને ગટરની કોઈ વ્યવસ્થા નથી તેટલું કરાવી આપો.
તમે CM છો છતાં અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી અહીં કોઇ નેતા અમારા એકતાનગરમાં આવતા નથી અને ગરીબોનું સાંભળતા નથી. સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની મુશ્કેલી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરતા તેઓની મુશ્કેલીઓ દૂર કરવાની મુખ્યમંત્રીએ ખાત્રી આપી હતી.
એકતાનગરની મુલાકાત બાદ મુખ્યમંત્રી પટેલ વાઘોડિયાના સુખલીપુરા ગામમાં પહોંચ્યા હતા અને ત્યાંપણ લોકો વચ્ચે જઈ તેના પ્રશ્નો સાંભળ્યા હતા અને સમસ્યાઓ દૂર કરવાની હૈયાધારણા આપી તેઓ હરણી વિમાની મથકે પહોંચ્યા હતા અને ત્યાંથી યોગી આદિત્યનાથની શપથવિધિમાં હાજરી આપવા માટે લખનઉ જવા રવાના થયા હતા.
આમ એક તરફ ગાંધીનગરમાં કોંગ્રેસે સરકારને ભીડવા સંમેલન બોલાવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ત્યારે સીએમ વડોદરા અને ત્યાંથી નિર્ધારિત કાર્યક્રમ ગોઠવાયા મુજબ લખનઉ જવા રવાના થયા હતા.