આપઘાત પહેલાં પિતાને ફોનથી કહ્યું, જીવનથી કંટાળી આપઘાત કરું છુંમહેસાણાના પિલાજીગંજમાં આનંદ બ્યુટી પાર્લરની ઘટના

ગરવીતાકાત,મહેસાણાઃ મહેસાણાના પિલાજીગંજમાં આનંદ બ્યુટી પાર્લર નામની દુકાનમાં યુવાને હૂક સાથે દુપટ્ટો ભરાવી ગળે ટૂંપો ખાઇ આપઘાત કરતાં ચકચાર મચી હતી. મૃતકના ભાઇએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનું કહ્યું હતું. શહેરમાં વિસનગર રોડ પર હીરાનગર ચોકમાં બાલાપાર્કમાં રહેતો અમીત ચીમનલાલ નાયી સોમવારે સવારે 9 વાગ્યે ઘરેથી પિલાજીગંજમાં નારાયણ એવન્યુ શોપિંગમાં આવેલી તેની આનંદ બ્યુટી પાર્લર નામની દુકાને ગયો હતો.

કેટલાક સમય બાદ તેણે પિતાને ફોન કરી જીવનથી કંટાળી આપઘાત કરવાનું કહેતાં તેઓ દુકાને દોડી ગયા હતા. પરંતુ અહીં દુકાન બંધ હોઇ આસપાસના લોકોની મદદ લીધી હતી. અમીતને લટકતો જોઇ હાજર લોકોએ કાચ ફોડી અંદર પ્રવેશતાં જ ચોંકી ગયા હતા. હૂંક સાથે કપડું બાંધી ગળે ટૂંપો ખાધેલી હાલતમાં પુત્રને લટકતો જોઇ તેના પિતા હૈયાફાટ રૂદન કરતાં જમીન પર બેસી ગયા હતા.

વ્યાજખોરોના ત્રાસથી ડિપ્રેશનમાં હતો: આ બનાવની જાણ થતાં એ ડિવિજન પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. મૃતકના ભાઇ પ્રકાશભાઇ ચીમનલાલ લિમ્બાચિયાએ કહ્યું કે, અમિતે વ્યાજે નાણાં લીધેલા હોઇ વ્યાજખોરો ઉઘરાણી કરતા હતા. દેવુ વધી જતાં તે ખૂબ જ ટેન્શનમાં રહેતો હતો. તેના પત્ની અપેક્ષા બે દિવસથી પિયર ગયેલી હોઇ એકલો પડતાં આપઘાતનો નિર્ણય લીધો હતો.

Contribute Your Support by Sharing this News: