ગરવી તાકાત ધોરાજી : ધોરાજી શહેરમાં ભૂખીના ટાંકા પાસે તેમજ બસ સ્ટેન્ડ પાસે વર્ષોથી માટીમાંથી મૂર્તિઓ અને રમકડા બનાવતા કારીગરો દ્વારા આગામી વિઘ્નહર્તા ગજાનંદ ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીને લઈ માટીમાંથી ગણેશજીની નયનરમ્ય મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. હિન્દુ ધર્મના વિવિધ ધાર્મિક તહેવારોમાં આ માટીકામના કારીગરો વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી તેનું વહેંચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. હમણાં જ દશામાના વ્રતમાં આ કારીગરોએ માટીમાંથી માતાજીની સુંદર મૂર્તિઓ બનાવી હતી અને હવે આગામી ગણપતિ ભગવાનની આરાધનાનું પવિત્ર પર્વ ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે.
ત્યારે ધોરાજીના માટી કામના કારીગરો દ્વારા માટીમાંથી ગણપતિ દાદાની વિવિધ મુદ્રાઓ વાળી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. મૂર્તિકારોએ જણાવ્યું હતું કે હવે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવતા તેઓ પીઓપીની જગ્યાએ માટીમાંથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિઓ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જેથી અગાઉથી મૂર્તિઓનું એડવાન્સ બુકિંગ કરાવતા હોવાથી તેમજ માટીમાંથી બનતી મૂર્તિ બનાવવામાં એક અઠવાડિયાનો સમય લાગતો હોવાથી ૧ મહિનાથી ગણેશની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવું પડતું હતું ગણેશજીની મૂર્તિ કઈ રીતે બને છે?,
મૂર્તિકારના જણાવ્યા પ્રમાણે સૌપ્રથમ ચીકણી માટી લાવવામાં આવે છે ત્યારબાદ તેને ચારણી વડે ચાળીને પાણી માટી મિક્સ કરીને મૂર્તિ માટે તૈયાર કરવામાં આવે છે. પછી તે માટીમાંથી મૂર્તિઓ બનાવવામાં આવે છે. માટીની મૂર્તિ રૂપિયા ૧૦૦થી ૫૦૦૦ સુધીમાં વહેંચાય છે. કારીગરો ગણપતિની વિવિધ પ્રકારની મૂર્તિઓ જેમાં બાહુબલી અવતાર ગણપતિ સિંહાસન, શંખ, ડમરુ તેમજ શેષનાગ પર બિરાજમાન હોય તેવી વિવિધ પ્રકારની મૂર્તિઓ તૈયાર કરીને તેનું વહેંચાણ કરી રહ્યા છે