— પડતર પ્રશ્નો ન સંતોષાતા કર્મીઓની હડતાલ :
— 28-29મીએ હડતાળથી ઉત્તર ગુજરાતમાં રૃપિયા 400 કરોડના ક્લિયરીંગ ખોટકાશે :
ગરવી તાકાત મહેસાણા : કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત દેશભરની સરકારી બેન્કોના ખાનગીકરણની નીતિને રોક લગાવવા, નવી પેન્શન યોજના નાબૂદ કરી જૂની પેન્શન યોજના શરૃ કરવા સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માગણી સાથે આગામી ૨૮ અને ૨૯ માર્ચના રોજ ઉત્તર ગુજરાતના ૯૦૦ બેન્ક કર્મચારીઓ આગામી ૨૪ માર્ચના રોજ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર, દેખાવો કરી વિરોધ કરશે.
ભારત સરકાર દ્વારા ગુજરાત સહિત દેશભરની સરકારી બેન્કોના ખાનગીકરણ કરવાની નીતિ સામે વિરોધનો મધપૂડો છંછેેડી ઉત્તર ગુજરાતના ૯૦૦ થી વધુ કર્મચારીઓ સહિત દેશભરના હજારો બેન્ક કર્મચારીઓએ આગામી ૨૮ અને ૨૯ માર્ચના રોજ બે દિવસીય હડતાળનો બૂંગિયો ફૂંક્યો છે. આ બે દિવસીય બેન્ક હડતાળમાં ગુજરાતના ૨૦,૦૦૦ કર્મચારીઓ જોડાશે. આગામી ૨૪ માર્ચના રોજ ઉત્તર ગુજરાતના ૯૦૦ જેટલાં કર્મચારીઓ કાળી પટ્ટી-કાળો બિલ્લો ધારણ કરીને સરકારના વલણ સામે દેખાવો, સૂત્રોચ્ચાર કરી વિરોધ જતાવશે. બે દિવસીય બેન્ક કર્મચારીઓની હડતાળના પગલે ઉત્તર ગુજરાતમાં બે દિવસમાં આશરે ૪૦૦ કરોડના ક્લિયરીંગ ઠપ થશે તેમ નોર્થ ગુજરાત બેન્ક ઓફ બરોડા એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ સૂર્યકાંત પંડયા તથા મહામંત્રી અનિલ સોલંકીએ જણાવ્યું હતુ. તેથી બેન્ક ખાતેદારોએ, ઉદ્યોગ, સંસ્થાઓએ નાણાંકીય હાલાકી વેઠવી ફરજિયાત થશે તેવો કચવાટ લોકોમાંથી થઈ રહ્યો હતો.
— સળંગ ચાર દિવસ બેન્કો બંધ રહેશે :
બેન્ક કર્મચારીઓએ આગામી ૨૮ અને ૨૯ માર્ચ એમ બે દિવસીય હડતાળ છેડી છે. ત્યારે ૨૬ માર્ચના ચોથો શનિવાર અને ૨૭ માર્ચના રોજ રવિવારની જાહેર રજા હોવાથી સળંગ ચાર દિવસ સુધી બેન્કો બંધ રહેશે. એટલે કે, મિની વેકેશન જેવી સ્થિતિ સર્જાવાના કારણે બેન્ક ખાતેદારોને નાણાંકીય વિનિમયમાં મૂશ્કેલી વેઠવી પડશે. તેવી જ રીતે, મોટાભાગની બેન્કોના એટીએમ સેન્ટર તળિયાઝાટક થઈ જવાની શક્યતાને નકારી શકાતી નથી.
— બેન્ક કર્મચારીઓના પડતર પ્રશ્નો :
— કેન્દ્ર સરકાર દ્વારા બેન્કોનું ખાનગીકરણ અટકાવવું :
— નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરો :
— બેન્ક ઉદ્યોગમાં બાકી દેવાદારોની બિનઉત્પાદક અસ્ક્યામતોની પુરેપુરી વસુલી કરવી, હેરકટના નામે પ ટકાથી ૯૫ ટકા – સુધીની રકમ વસુલાત વખતે જતી ન કરવી :
— બાકી દેવાની માંડવાળ કરવી નહીં :
— મજૂર કાયદામાં સુધારો કરવા સરકાર વિચારે છે તે સુધારા રદ કરવા :
— ભાવવધારા પર અંકુશ લાવવો :
— ૨૦૧૪ ના ભાવ પાછા લાવવા :