— લેબર લાઇસન્સ મેળવવા લેબર દીઠ ૧૦૦ રૂપિયા લેખે ૨૦૦ લેબરના રૂ.૨૦,૦૦૦ માંગ્યા હતા
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર જિલ્લા સેવા સદનના મદદનીશ મજુર કમિશ્નરની કચેરીના આસિસ્ટન્ટ લેબર કમિશ્નર અ શોક મોહનલાલ મોદી રૂપિયા ૨૦ હજારની લાંચના છટકામાં ઝડપાયા છે. લેબર લાઇસન્સ મેળવવા માટે લેબર દીઠ રૂપિયા ૧૦૦ ની માંગણી કરી કુલ ૨૦૦ લેબરોના ૨૦ હજારની લાંચ માંગી હતી.
પાલનપુર જિલ્લા સેવા સદન ખાતે મદદનીશ મજુર કમિશ્નરની કચેરીમાં આસિસ્ટન્ટ લેબર કમિશ્નર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ મોહનલાલ મોદીએ તેમની કચેરીમાં લેબર લાયસન્સ મેળવવા માટે આવેલ અરજીના અનુસંધાને એક લેબરના ૧૦૦ રૂપિયા લેખે ૨૦૦ લેબરના ૨૦ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
આ મામલે અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોઇ તેઓએ આ બાબતે પાલનપુર એસીબી પી.આઈ એન.એ.ચૌધરીનો સંપર્ક સાધ્યો હતો. આથી એસીબીની ટીમે છટકું ગોઠવી ઉપરોક્ત અધિકારીને જિલ્લા સેવાસદન કચેરી ખાતે રૂપિયા ૨૦ હજારની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડી કાયદેસરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા — પાલનપુર