ભૂવાએ બાળકીની સારવાર કરવાના બહાને ગરમ ચીપિયાથી ડામ આપ્યા વાવમાં પણ બાળકને ડામ અપાતા તેનું મોત નીપજ્યુ હતુ

ગરવીતાકાત પાલનપુરઃ બનાસકાંઠામાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો બન્યો છે. લાખણી તાલુકાના ગણતા ગામમાં 7 માસની બાળકીને ડામ આપવામાં આવ્યા છે. પરિવાર સારવારના બદલે બાળકીને ચાર દિવસ પહેલા ભૂવા પાસે લઇ ગયો હતો. જ્યાં તેને ડામ આપવામાં આવ્યા હતા. ચાર દિવસ બાદ બાળકીની તબિયત લથડતા તેને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બનાવની વિગતો એવી છેકે, બનાસકાંઠા જિલ્લાના લાખણીના ગણાતા ગામમાં 7 માસની બાળકી બીમાર થઇ હતી. જોકે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવના બદલે પરિવાર અસાસણ ગામના ભૂવા પાસે પહોંચ્યો હતો. જ્યાં ભૂવાએ બાળકીની સારવાર કરવાના બહાને ગરમ ચીપિયાથી ડામ આપ્યા હતા. ભૂવાએ માસૂમ બાળકીને પેટના ભાગ પર ચીપિયાના ડામ આપ્યા હતા. ડામ આપવાથી પણ બાળકીના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો ન હતો અને બાળકીની તબિયત વધુ લથડી હતી. જેથી પરિવાર બાળકીને લઇને હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકીને વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસડેવામાં આવી છે.

વાવમાં પણ આ જ પ્રકારે બાળકને ડામ આપવામાં આવ્યા હતા: 2 જૂનના રોજ પણ આવો જ એક કિસ્સો બનાસકાંઠાના વાવમાં બન્યો હતો. જ્યાં બીમાર બાળકને ડામ આપવામાં આવ્યા હતા. જેના કારણે બાળકનું મોત નીપજ્યું હતું. બાળક બીમાર પડે ત્યારે હોસ્પિટલ લઇ જવાના બદલે ભૂવાઓ પાસે લઇ જવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે બાળકોના જીવ જોખમમા મૂકાઈ રહ્યાં છે.

Contribute Your Support by Sharing this News: