ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૭)

જિલ્લાના લાખણી તાલુકાના અસાસણ ગામમાં એક યુવકને ગામ લોકોએ તાલિબાની સજા આપ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવક અસાસણ ગામમાં તેની પરિણીત પ્રેમિકાને મળવા માટે રાત્રે પહોંચ્યો હતો. આ વાતની જાણ ગામના લોકોને થતાં યુવકને ઝડપીને તેને માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, યુવકના વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને કોઈ ફરિયાદ મળી નથી.

યુવકનું મુંડન કરાયું: મળતી માહિતી પ્રમાણે યુવક તેના ગામમાં પ્રેમિકાને મળવા આવ્યાની જાણ થતાં જ ગામ લોકોએ વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો. જે બાદ ગામ લોકોએ તેને માર માર્યો હતો. બાદમાં એક યુવકે બ્લેડ વડે યુવકનું મુંડન કરી નાખ્યું હતું. આ દરમિયાન યુવકને માથામાં બ્લેડ પણ વાગી હતી. જે બાદમાં યુવકનું માથું ધૂળથી ભરી દેવામાં આવ્યું હતું. આટલું પૂરતું ન હોય તેમ ગામના કેટલાક યુવકોએ આ અંગેની વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

અગાઉ પણ આવો બનાવ બન્યો હતો: મળતી માહિતી પ્રમાણે યુવક ભાભર તાલુકાનો સનેસડા ગામનો હોવાનું માલુમ પડ્યું છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના એક ગામમાં અગાઉ પણ આ પ્રકારનો બનાવો બન્યો હતો. જેમાં પ્રેમિકાને મળવા આવેલા યુવકને બાંધીને માર મારવામાં આવ્યો હતો તેમજ તેની મૂછો મુંડી નાખવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ નહીં: આ ઘટના સોમવારે રાત્રે બની હતી. મંગળવાર બપોર સુધી આ મામલે કોઈ જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. યુવકની ભાળ મળ્યા બાદ તેને માર મારનાર તેમજ તેનું મુંડન કરનાર લોકોની વિગતો મેળવવામાં આવશે. જોકે, આ ઘટનામાં 20 કલાક પછી પણ ફરિયાદ દાખલ કરવામાં ન આવતા એવું લાગી રહ્યું છે કે યુવક અને તેનો પરિવાર ભયના ઓથાર હેઠળ હોવાથી પોલીસ સમક્ષ નથી આવી રહ્યો.

Contribute Your Support by Sharing this News: