બનાસ ડેરીએ ૧૯.૨૫ ટકા સાથે રૂ.૧૬૫૦.૭૧ કરોડનો ઐતિહાસિક ભાવવધારો જાહેર કર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— સહકારી ક્ષેત્રમાં બચતના બીજનું વાવેતર કરી બનાસકાંઠા દેશને દિશા આપવાનું કામ કરશે : કેન્દ્રીય મંત્રી :

— પાલનપુરના બાદરપુરા ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં બનાસ ડેરીની ૫૪ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના બાદરપુરા ઓઇલમિલ ખાતે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન વિભાગના મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાની ઉપસ્થિતિમાં બનાસ ડેરીની ૫૪ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ ૧૯.૨૫ ટકા સાથે રૂ. ૧૬૫૦.૭૦ કરોડનો ઐતિહાસિક ભાવવધારો જાહેર કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ સાધારણ સભાને સંબોધતા જણાવ્યું કે, બનાસવાસીઓએ ખુબ મહેનત કરીને બનાસ ડેરીને એશિયામાં નંબર વન સ્થાન પર પહોંચાડી છે તે બદલ સૌને અભિનંદન પાઠવી બનાસકાંઠાની આ સહકારી ચળવળને બિરદાવું છું. તેમણે કહ્યું કે, પૂજ્ય ગલબાકાકાએ વાવેલું બનાસ ડેરીરૂપી વૃક્ષ આજે વટવૃક્ષ બન્યું છે.
દૂધથી શરૂ થયેલી બનાસ ડેરીની વિકાસયાત્રા આજે મધનું કામ મક્કતાથી કરે છે. મંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખાની સરાહના કરતાં જણાવ્યું કે, બનાસ ડેરીની આવકમાંથી ૮૨ ટકા રકમ પશુપાલકોને ચુકવવામાં આવે છે. પ્રાઇવેટ કંપની અને સહકારી સંસ્થા વચ્ચે આ જ તફાવત છે. લોકો ધારે તો પોતાની રીતે વિકાસ કરી શકે તેનું નામ જ સહકારીતા તેમ તેમણે જણાવ્યું હતુ. મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ બનાસવાસીઓને બચત કરવાની અપીલ કરતાં જણાવ્યું કે, પશુપાલનના વ્યવસાયમાંથી દૂધની મબલખ આવક થઇ રહી છે ત્યારે બચત પણ કરવી ખુબ જરૂરી છે. બચતના વિચારમાંથી જ સહકારી માળખાનો વિકાસ થયો છે તેમ કહી તેમણે જણાવ્યું કે, સહકારી ક્ષેત્રમાં બચતના બીજનું વાવેતર કરી બનાસકાંઠા દેશને દિશા આપવાનું કામ કરશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અકસ્માતના સમયે અને સગર્ભા બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે ત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અબોલ પશુઓ માટે પણ એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરાવીને સેવાનું કાર્ય કર્યું છે. દેશમાં ૪,૦૦૦ કરતાં વધારે એનિમલ એમ્બ્યુલન્સ ભારત સરકારે પશુઓ માટે આપી છે. તેમણે કહ્યું કે, ટેકનોલોજીના કારણે પશુઓને સમયસર બીજદાન કરાવી શકાય છે જેનાથી ઉચ્ચ ઓલાદના પશુઓ દ્વારા પુરતુ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે. મંત્રીશ્રીએ કહ્યું કે, દુનિયામાં ભારત સૌથી વધુ દૂધ  ઉત્પાદન કરતો દેશ છે પરંતુ વ્યક્તિગત પશુ આધારીત દૂધ ઉત્પાદનમાં પાછળ છે ત્યારે બનાસકાંઠા જિલ્લો સારી ઓલાદના પશુઓ દ્વારા દૂધ ઉત્પાદનમાં અગ્રેસર બને તે જરૂરી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.