નકલી જીરૂ જનતાના પેટમાં પધારવવાના કારોબારના બાચકા ઉપર હવે માત્ર સિલાઇ જ નહી સીલ મારવા પડશે
સ્થાનિક પોલીસ ગાંધીનગર સ્થિત ફૂડ વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા બહારના લે-ભાગુ પત્રકારોની લાલચુ લાળ અહીં ટપકતી રહે છે
વિશ્વ વિખ્યાત જીરા માર્કેટ ઊંઝાના નામને નકલી જીરૂના ધંધાર્થીઓ બદનામ કરી રહ્યાં છે !!
ગરવી તાકાત, ઊંઝા તા. 01 – ઊંઝા શહેર સહિત પંથકમાં ચાલી રહેલો નકલી જીરૂ બનાવવાનો ચાલી રહેલા કાળા કોરાબારનો તમામ વહીવટ ઊંઝા પોલીસના કથિત વહીવટદાર તરીકે નામાંકિત થયેલ ઇરફાન બાદશાહ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ઊંઝામાં નકલી જીરૂ બનાવવાના કારોબારમાં સંડોવાયેલા વેપારીઓમાં ચાલતી જોવા મળી રહી છે. ઊંઝા શહેર સહિત પંથકમાં જે 35થી 40 ગોડાઉન કે ફેકટરીઓ ધમધમી રહી છે તે તમામ વેપારીઓનો તમામ વહીવટ ઊંઝા પીઆઇ દરજીના ખાસ અને માનીતા એવા કથિત વહીવટીદાર ઇરફાન બાદશાહ ચલાવી રહ્યા હોવાનું સાંભળવા મળી રહ્યું છે.
ઊંઝાના આવા કથિત વેપારીઓ પર ઊંઝા પોલીસ સ્ટેશનના પીઆઇ અને વહીવટદાર ચાર હાથે આર્શિવાદ આપતા હોય તેવો ઘાટ ઘડાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે નકલી જીરૂ રાજ્યની જનતાના પેટમાં પધરાવવાના કારોબારના બાચકા ઉપર હવે માત્ર સિલાઈ જ નહિ સરકારી સીલ મારવા પડશે. ઊંઝામાં નકલી જીરૂના કારોબારમાં ‘દરજી’ની સોયમાં ‘બાદશાહ’નો દોરો પરોવાયો હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. સ્થાનિક પોલીસ, ગાંધીનગર સ્થિત ફુડ વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા બહારના લે ભાગુ પત્રકારોની લાલચુ લાળ અહીં ટપકતી રહે છે. વિશ્વ વિખ્યાત જીરા માર્કેટ ઊંઝાના નામને નકલી જીરૂના ધંધાર્થીઓ બદનામ કરી રહ્યા છે, તો શું કાળા કારોબારીઓને તંત્રના અધિકારીઓ પકડી પાડવા ઈમાનદારી બતાવશે? ત્યારે જોવું રહ્યું કે મહેસાણા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ લોકોના આરોગ્ય સાથે થતા ચેડા બાબતની નોંધ લેશે ખરા !!
જીરૂમાં વરિયાળી, કેમિકલ, સિમેન્ટ, લીલો કલર સહિતના મિશ્રણથી બનાવવામાં આવતું જીરૂ લોકોના આરોગ્ય માટે કેટલુ હાનિકારક સાબિત થઇ શકે તેમ છે પરંતુ સરકારના ઠેકેદારોના આવા વેપારીઓ સાથે ભાઇચારાની ભાવના નકલી જીરાનો આ કાળો કારોબાર સતત વધી રહ્યો છે. ઊંઝા પોલીસ સ્ટેશનના આ કથિત વહીવટદાર ઇરફાન બાદશાહ વિશે તો એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે ગાંધીનગર આર.આર.સેલ કે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સિવાય મહેસાણા જિલ્લા તંત્રને કે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગના કોઇપણ અધિકારીને ઊંઝા શહેર સહિત પંથકમાં જો રેડ કરવી હોય તો ઊંઝાના આ બાદશાહની પરમીશન લેવી પડે છે. ત્યારબાદ જ નકલી જીરાના કારોબારમાં સંડોવાયેલા વેપારીઓ પર કાયદાનો કોયડો વિઝી શકાય છે.
ઊંઝા પોલીસ સ્ટેશનના પીઆઇ દરજીના માનીતા અને જાણીતા આ કથિત વહીવટદાર ઇરફાન બાદશાહ તેમની બાદશાહત કાયમ કરવા ઊંઝા શહેર સહિત પંથકમાં કોઇપણ બે નંબરનો ધંધો કરતો વેપારી કે વ્યકિત હોય તો તેને પ્રથમ ઇરફાન બાદશાહની પરમીશન લેવી પડે છે અને બાદશાહ ઊંઝા પી.આઇ સાથે વાટોઘાટો કર્યા બાદ વહીવટની ઘટનાને અંજામ આપતા હોવાનું પણ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યોં છે. જો મહેસાણા જિલ્લા પોલીસવડા દ્વારા આ બાબતની ખાનગી રાહે તપાસ કરવામાં આવે તો સત્ય કે અસત્યનો ભેદ ખુલ્લો પડી શકે તેમ છે.
ઊંઝા શહેરમાં બે નંબરના મોટા પ્રમાણમાં ધંધા ધમધમી રહ્યા છે. જેમાં દારૂ, જુગાર, માદક પદાર્થ સહિતનું વેચાણ થાય છે. ઊંઝામાંથી અનેકવાર મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ મહેસાણા સ્પેશિયલ ગ્રુપ ઓપરેશનની ટીમ દ્વારા માદક પદાર્થો ઝડપી પાડવામાં આવ્યાં છે. ત્યારે ઊંઝા શહેર સહિત પંથકમાં ચાલતાં વિદેશી શરાબના ધંધા હોય કે જુગારધામ ચલાવવામાં આવતું હોય તેવા બે નંબરના ધંધાઓનો પણ તમામ વહીવટનો તમામ કાર્યભાર ઇરફાન બાદશાહના ખભા પર રહેતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ઊંઝા શહેર સહિત પંથકમાં ચાલતી ગેરકાયદેસ પ્રવૃતિ મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલનું મૌન કેમ ? : જનતા જર્નાદન
ઊંઝા શહેર ક્રિકેટના સટ્ટાનું પણ હબ માનવામાં આવે છે. ઊંઝામાં ક્રિકેટ મેચ દરમિયાન દરરોજનો મેચ પર લાખો કરોડોનો ક્રિકેટ સટ્ટાનું સૌથી મોટુ નેટવર્ક ચલાવવામાં આવતું હોય છે. ત્યારે ઊંઝા શહેર સહિત પંથકમાં કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય તો તેની રજૂઆત ઊચ્ચ કક્ષાએ કરી તેનો ઉકેલ લાવવાની જવાબદારી ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલની છે. આ સંજોગોમાં ઊંઝા શહેર સહિત પંથકમાં અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ ફૂલીફાલી રહી હોવા છતાં ઊંઝાના ધારાસભ્ય પણ કેમ મૌન સાધનામાં બેસી ગયા છે તેવા સવાલો ઊંઝા પંથકની જર્નાદનમાં ચર્ચાના વિષય બન્યાં છે. ઊંઝામાં વિદેશી શરાબની હાટડીઓ, માદક પદાર્થોનું વેચાણ, ક્રિકેટ સટ્ટા, જુગારધામ, નકલી જીરૂ બનાવવાના ફેકટરીઓ અને ગોડાઉન ધમધમતાં હોવા છતાં આ બાબતે કેમ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ પ્રજાની પડખે આવતાં નથી. ઊંઝા શહેરમાં ચાલતી આ પ્રકારની તમામ ગેરકાયદેસર પ્રવૃતિઓ પર એકશન લેવામાં આવે તો ઊંઝા પીઆઇના માનીતા આ કથિત વહીવટદાર ઇરફાન બાદશાહની બાદશાહતમાં ફેર પડી શકે તેમ છે.