– પોલીસ સહકાર આપતી નથી એવા આક્ષેપો કર્યા : છેલ્લા એેક માસથી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાતી હતી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યાલય સામે એક માતાપુત્રીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. શુક્રવારે સાંજે બનેલી આ ઘટનામાં માતા જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી હોવાની અને પુત્રી સારવાર હેઠળ હોવાની જાણકારી મળી હતી.

આ માતાપુત્રીનો એવો આક્ષેપ હતો કે છેલ્લા એક માસથી અમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ રહ્યાં છીએ. પોલીસ અમને સહકાર આપતી નથી.

ઘટનાનો સાર એેવો છે કે અમેઠીના જમાઇ વિસ્તારમાં રહેતી આ માતાપુત્રીને અસામાજિક તત્ત્વો સતત હેરાન કરતાં હતાં. એક ગંદા નાળાના મુદ્દે આ માતા પુત્રી સાથે અસામાજિક ત્ત્ત્વો સાથે અનબન થઇ હતી. માતાપુત્રીએ પોલીસને ફરિયાદ કરતાં પોલીસ સ્ટેશનની બહાર આ માતાપુત્રીને ઢોરમાર મારવામાં આવ્યો હતો.

માતાપુત્રીનો એવો આક્ષેપ હતો કે પોલીસ તેમની ફરિયાદ લેતી નહોતી અને ગુંડાઓ સતત આ માતાપુત્રીને હેરાન કરતા હતા. શાંતિથી રહેવા નહોતાં દેતાં.

એકવાર મુખ્ય પ્રધાન સાથે એમની મુલાકાત પણ થઇ હતી અને મુખ્ય પ્રધાન યોગીએ લાગતા વળગતા અધિકારીને ધ્યાન આપવાનું કહ્યું હતું. પરંતુ માથાભારે પરિબળો સાથેની કહેવાતી સાંઠગાંઠના પગલે પોલીસ આ માતાપુત્રીની એફઆઈઆર પર ધ્યાન આપતી નહોતી. કંટાળીને શુક્રવારે સાંજે આ માતાપુત્રીએ મુખ્ય પ્રધાનના હઝરત ગંજ વિસ્તારમાં આવેલા કાર્યાલયના ગેટ નંબર ત્રણ પાસે પોતાના શરીર પર ઘાસતેલ છાંટીને આગ લગાડી દીધી હતી. માતા ગુડિયાદેવી 80 ટકા અને તેની પુત્રી 40 ટકા દાઝી ગઇ હતી.

પોલીસે તરત બંનેને સિવિલ હૉસ્પિટલમાં ખસેડી હતી જ્યાં માતાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું અને પુત્રી સારવારને સારો પ્રતિસાદ આપી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ પ્રવક્તાએ આ ઘટના અંગે કશું કહેવાનો ઇનકાર કર્યો હતો. સ્થાનિક લોકોએ પણ ગુંડાઓના ડરથી મૌન સેવ્યું હતું.

Contribute Your Support by Sharing this News: