ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૩)

દિવસભર જેસીબી સહિતના મશીનોથી ડિવાઇડર પણ તોડી પાડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં એરોમા સર્કલ વિસ્તારમાં દિવસ પર સર્જાતી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની જતાં આ બાબતે જિલ્લા કલેકટરને કરવામાં આવેલી રજૂઆતોને પગલે હવે સમસ્યાનો કાયમી નિવેડો લાવવા માટે પગલાં હાથ ધરાયા છે. જેમાં આજે હાઇવે એરોમા સર્કલ આસપાસના દબાણ દુર કરવાની અને ડિવાઈડર તોડી પાડવાની કામગીરી હાથ ધરાઇ હતી.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેરમાં એરોમા સર્કલ આસપાસ ગેરકાયદેસર રીતે દબાણો અને શટલીયા ચાલકોના અડિંગાના કારણે દિવસભર ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ હતી. દરમિયાન આ બાબતે સમસ્યા દિન પ્રતિદિન વકરતા જતા લોકોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી સમસ્યાનો કાયમી નિવેડો લાવવા માટે રજૂઆતો કરતા જિલ્લા કલેકટરે આ બાબતે ગંભીર નોંધ લઇ ટ્રાફિક સમસ્યાને કાયમી માટે નિવારવા માટે પગલાં હાથ ધર્યા છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી પોલીસ ખડેપગે ટ્રાફિકને હળવો કરવા માટે પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ જિલ્લા કલેક્ટરની સૂચનાથી આજે હાઇવે સર્કલ આસપાસના લારી ગલ્લા સહિતના તમામને દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં જેસીબી સહિતના મશીનો દ્વારા આસપાસના દબાણો દૂર કરવાની સાથે સાથે સર્કલની આસપાસ આવેલા બિન જરૂરિયાત ડિવાઇડર પણ તોડી પાડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે હવે શહેરીજનોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળે તેવી આશા જન્મતા શહેરીજનોમાં હાશકારો જોવા મળ્યો હતો.

વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા દબાણદારોને પણ હટાવી દેવાયા: પાલનપુર હાઇવે સર્કલ આસપાસ વર્ષોથી દબાણ કરી બેઠેલા લારી ગલ્લાવાળા તેમજ કેબિનો વાળાઓને આજે દબાણ કામગીરી દરમિયાન હટાવી દેવામાં આવ્યા હતા. જો કે ફરીથી આ જગ્યાએ દબાણો ન થઈ જાય તે બાબતે પણ પગલાં ભરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા પાલનપુર 

Contribute Your Support by Sharing this News: