પાલનપુર માનસરોવર બ્રિજ પર ડામર અને આર.સી.સી. વચ્ચેનો રોડ તૂટી જતા અકસ્માતની ભિતિ

શેર કરવા અહીં ક્લિક કરો.

— તાજેતરમાં બનાવેલા બ્રિજ ઉપર ચડતા જ વાહન ચાલકોને જીવલેણ અકસ્માતનો સતાવી રહ્યો છે ભય :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર માનસરોવર ફાટક પર બનાવેલા ઓવરબ્રિજમાં ડામર અને બ્રિજના આરસીસી સ્ટ્રક્ચર વચ્ચે પોલાણ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં બનાવેલા બ્રિજ ઉપર ચડતા જ વાહન ચાલકોને જીવલેણ અકસ્માતની ભીતિ સર્જાઈ રહી છે. આ ઉપરાંત જો સમયસર સમારકામ નહીં થાય તો પ્રથમ વરસાદમાં આરટીઓ સર્કલ તરફના પુલના ડામર રોડનું ધોવાણ થઇ શકે છે
પાલનપુર માનસરોવર ફાટક પરના ઓવર બ્રિજની કામગીરી પુરી કરી એક વર્ષના સમયગાળા અગાઉ પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આરટીઓ સર્કલના બ્રિજની કામગીરી ચાલુ થતાં તમામ વાહનો બ્રિજ પરથી પસાર થઇ હરિપુરાના માર્ગ અંબાજી તરફના રોડ પર પસાર થાય છે. જેમાં એક વર્ષના ટૂંકા ગાળામાં આરટીઓ સર્કલ થી માનસરોવર બ્રિજ પર જવાનો માર્ગ પર બ્રિજના આરસીસી સ્ટ્રક્ચર અને ડામરના રોડનો જ્યાં સાંધો કરવામાં આવ્યો છે.
ત્યાં સળંગ તિરાડ તેમજ એક સાઇડમાં પોલાણ થઇ ગયુ છે. જેથી આ રોડ પરથી પસાર થતા તમામ વાહનો પોલાણ વાળી જગ્યા પર પછડાઇ રહ્યા છે. તેમજ જો આ આરસીસી અને ડામર વચ્ચે પડેલી પોલાણ ઝડપથી પુરવામાં નહી આવે તો આગામી ચોમાસાની સિઝનમાં પોલાણ વાળી જગ્યામાં પાણી જશે તો ડામરના રોડનું ધોવાણ થવાની શક્યતાઓ છે. જેથી તંત્ર દ્વારા આ બાબતે ઝડપથી સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આ અંગે આર એન્ડ બી વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ કે આ બાબતે તપાસ કરી બે દિવસમાં સમારકામ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.