ગરવી તાકાત મહેસાણા : સરકારની આરોગ્યને લગતી ગ્રામ્ય કક્ષાએ કરવાની થતી તમામ કામગીરી આશા વર્કર બહેનો કરે છે. જેમાં આયુષ્માન કાર્ડ, રસીકરણ, નવજાત શિશુ તેમજ તેમની માતાઓ ને અપાતા સરકારી લાભ જેવા આરોગ્ય ખાતાની વિવિધ યોજનાઓ નો અમલ અને તેને લગતી કામગીરી પુરી પાડે છે. જ્યારે હાલમાં ગુજરાત સરકાર ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે
ત્યારે પાયાના કર્મચારીઓ ને સરકાર તરફથી અપાયેલા વાયદાઓ પુરા ના કર્યા હોવાથી આવા વિવિધ ખાતાઓના કર્મચારીઓ પોતાના કામથી અળગા રહીને હડતાળ ઉપર ઉતરી વિરોધ કરી રહ્યા છે. જેમાં આજે મોઢેરા PHC ખાતે બહુચરાજી તાલુકાના ગામડાઓમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતી બહેનોએ મેડિકલ ઓફિસર ને રજૂઆત કરી પોતે હડતાળ પર જવાની જાણ કરી છે.
તેમના જણાવ્યા મુજબ લઘુતમ વેતન ધારા મુજબ વેતન, ફિક્સ પગાર ધોરણ, વર્ગ-૪ ના કર્મચારી તરીકેનો દરજ્જો, નોકરીનો સમય નક્કી કરવો, ૭ મા પગારપંચ મુજબ લાભ તેમજ એપીએલ – બીપીએલ સમાન ગણવાની માંગણી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે અમો આશા વર્કર બહેનો આ માંગણીઓ સરકાર સામે ઘણા સમયથી કરી રહી હતી પરંતુ આ બાબતે સરકારે કોઈ જ નિરાકરણ ન કર્યું હોવાથી આ હડતાળ કરવાની જરૂર ઊ ભી થઈ છે.