શાકમાર્કેટમાં લીંબુની હોલસેલ ખરીદીમાં કિલોના ભાવ 100થી 125 સુધીના ભાવ
અમદાવાદ જેવા મોટા શહેરોમાં દરરોજ 55 ટન લીંબુનો વપરાશ છે
ગરવી તાકાત, મહેસાણા તા. 09 – ગુજરાતમાં આકરી ગરમી સાથે ઉનાળો તપવા લાગતાની સાથે જ લીંબુના ભાવમાં તોતીંગ વધારો થયો છે. ઓનલાઈન રૂા.225 તથા શાક માર્કેટમાં રૂા.250 ના કિલોના ભાવે વેચાય રહ્યા છે. હોલસેલ ભાવ પણ રૂા.100 થી 125 થયા છે.
વેપારીઓના કહેવા પ્રમાણે આકરી ગરમીને કારણે વપરાશ વધતા લીંબુમાં ભાવ વધારો છે.આ સિવાય ચૈત્રી નવરાત્રી-રમજાન માસ જેવા ધાર્મિક ઉત્સવોની પણ અસર છે.ઉંચા ભાવને કારણે રેસ્ટોરા તથા કેન્ટીનની સલાટ પ્લેટમાંથી લીંબુ ગાયબ થવા લાગ્યા છે.
વેપારીઓનાં કહેવા પ્રમાણે અમદાવાદ જેવા મોટા શહેરોમાં દરરોજ 55 ટન લીંબુનો વપરાશ છે.ઉનાળા તથા તહેવારોમાં લીંબુની ડીમાંડમાં 40 ટકાનો વધારો થાય છે.જયારે સપ્લાયમાં 10 ટકાથી વધુનો ઘટાડો થાય છે.ગુજરાતમાં લીંબુનુ ઉત્પાદન વપરાશની સરખામણીએ માંડ સાત ટકાનું છે.
મોટાભાગની સપ્લાય બીજા રાજયોમાંથી થાય છે. માસાંતથી લીંબુનો નવો પાક બજારમાં આવશે ત્યારે ભાવમાં ઘટાડો થવાનો અંદાજ દર્શાવતા વેપારીઓએ કહ્યું કે હાલ કર્ણાટકથી મોટો જથ્થો ઠલવાય રહ્યો છે. જોકે, હાલ તુર્ત ઉંચા ભાવમાંથી કોઈ રાહત મળે તેમ નથી. ગરમી વધતા તથા હીટવેવની સ્થિતિમાં ડીમાંડ વધુ વધે તો હજુ ભાવ ઉંચા જવાની શકયતા નકારાતી નથી. રેસ્ટોરા-જેવા સ્થળોએ લીંબુનો વપરાશ ઘટી ગયો છે.