મહેસાણા નગરપાલીકાના ફાયર વિભાગમાં કર્મચારીઓ પાસેથી 25-25 હજાર ઉપીયાના ઉઘરામણી કૌભાંડ મામલે, હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ નહી થતાં શહેરના એક સામાજીક કાર્યકરે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદને રૂબરૂમાં મળી આ બાબતે યોગ્ય તપાસ કરવા અરજી કરી છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે, આ કૌભાંડમાં મોટા માથાઓ સંડોવાયેલ હોવાથી કોઈ પોલીસ ફરિયાદ કરાઈ રહી નથી.
શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ ડો. મેઘા પટેલે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ ખાતેની ઓફીસમાં રૂબરૂ મુલાકાત કરી નગરપાલીકાના કોભાંડમાં યોગ્ય તપાસ કરી તમામ હકીકતો સામે લાવવા અરજી કરેલ છે. જેમાં તેમને આરોપ લગાવ્યો છે કે આઉટ સોર્શીંગના કર્મચારીઓ પાસેથી 25-25 હજાર રૂપીયા ઉઘરાવી નગરપાલીકા પ્રમુખ સભ્યોને ગોવામાં સહેલગાએ લઈ જવાના હતા. જેથી આ મામલે યોગ્ય તપાસ કરી હકીકત સામે લાવી પૈસાની રીકવરીની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો – ફાયર વિભાગમાં કૌભાંડ : ચીફ ઓફીસર કોના હિતો માટે કામ કરી રહ્યા છે, જનતાના કે માત્ર ભારતીય જનતા પાર્ટીના ? હજુ સુધી ફરિયાદ કેમ નહી ?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડ બાદ તપાસ માટે જીલ્લા કલેક્ટર ઉપરાંત ડીએસપીને અરજી કરી ફરિયાદ દાખલ કરાવવા જણાવવામાં આવ્યુ છે. પરંતુ આજદિન સુધી આ મામલે કોઈ ફરિયાદ દાખલ નહી થતાં એસીબીને રજુઆત કરવામાં આવી છે. મેંઘા પટેલ તથા ભૌતીક ભટ્ટ દ્વારા જણાવાયુ છે કે, આ મામલે જો યોગ્ય તપાસ નહી થાય તો તેઓને ના છુટકે હાઈકોર્ટનો સહારો લેવો પડશે.