સાબરકાંઠાના પ્રાંતિજ એક ડીઝલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો. ટક્કર બાદ ટેન્કરમાં પંક્ચર થઈ ગયું હતું અને તેમાંથી ડીઝલ નીચે ઢોળાવા લાગ્યા હતું. આ વાત જાણીને આસપાસના લોકો વાસણ લઈને ડીઝલ લેવા માટે દોડી આવ્યા હતા. લોકોએ રીતસરની લાઇનો લગાવી દીધી હતી. બીજી તરફ રોડ પર ડીઝલની જાણે કે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ ખાતે એક ડીઝલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. રોડની બાજુમાં ઊભા રહેલા ડીઝલ ટેન્કર પાછળ એક ટ્રક ઘૂસી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કરમાં પંક્ચર થઈ ગયું હતું. જેનાથી ડીઝલ નીચે ઢોળાવા લાગ્યું હતું. આ અંગેના સામે આવેલા વીડિયોમાં લોકોને વાસણમાં ડીઝલ ભરીને લઈ જતા જોઈ શકાય છે. આ વાતની જાણકારી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને ડીઝલ ટેન્કર પર પાણીનો મારો ચલાવ્યો હતો.
બનાવ બાદ પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, જેના પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
તમને જણાવી દઈયે કે, જ્યારે પણ કોઈ ખાધ પદાર્થ કે, અન્ય ચીજ વસ્તુઓ ભરેલુ વાહન પલ્ટી મારી જાય અથવા એક્સિડેન્ટ થયા તો લોકો ઈજાગ્રસ્તને મદદ પહોંચાડવાને બદલે લુંટ ચલાવી ફરાર થઈ જતા હોય છે.