ભારત સરકારના કાયદા મુજબ ગર્ભપાત માટે મેડીકલ પ્રેકટીશનરના પ્રિસ્ક્રીપ્શન વગર દવાનું વેચાણ કરવું એ ગુનો બને છે. પરંતુ મહેસાણામાં મેડીકલ સ્ટોરના સંચાલકો તગડો નફો રળી લેવાના ઈરાદે બે-રોકટોક અને બેફામ પ્રતિબંધિત ગર્ભપાતની ટેબલેટનું વેચાણ કરતા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે.
ગરવી તાકાત દ્વારા કરાયેલા સ્ટીંગ ઓપરેશનમાં મહેસાણાના મોટા ભાગના મેડીકલ સ્ટોર ઉપર 40 કે 50 રૂપિયાના ભાવે કંપનીમાંથી આવતી ગર્ભપાતની દવા વગર પ્રિસ્ક્રીપ્શને રૂપિયા 500 થી 700 પડાવી વેચાણ થઈ રહ્યું છે. મેડીકલ ક્ષેત્રે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રકારની દવા ડોકટરની દેખરેખ વગર કે ચોક્કસ તબીબી નિરીક્ષણ સિવાય ઉપયોગ કરવામાં આવે તો દર્દીનો જીવ પણ જઈ શકે છે. આ પ્રકારની દવાઓ લેવાથી વધારે પડતું બ્લીડીંગ થવાના કિસ્સ્સામાં દવા લેનાર મહિલા મોતને પણ ભેટી શકે છે અને આ હકીકતને મેડીકલ સ્ટોરના સંચાલકો સારી પેઠે જાણતા હોવા છતાં માત્ર નફાખોરી માટે બેફામ અને બેરોકટોક આ પ્રકારની દવાઓનું વેચાણ કરતાં હોવાનું ગરવી તાકાતના સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો થવા પામ્યો છે. ગરવી તાકાતને મળેલી માહિતી અનુસાર અમારા સહતંત્રીના માર્ગદર્શન હેઠળ અમારા રિપોર્ટરની ટીમે મહેસાણાના વિવિધ મેડીકલ સ્ટોર ઉપર તપાસ કરી હતી જેમાં મહેસાણાના ટીબી રોડ ઉપર આવેલા ગોવિંદ શોપીંગ સેન્ટરમાં કાર્યરત આસોપાલવ મેડીકલ સ્ટોર્સ નામની દુકાન ઉપર આ પ્રકારની ગોળી માંગવામાં આવતાં અમારા રિપોર્ટરને પ્રથમ તો ગોળી આપવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ ત્યાર બાદ અમારા રિપોર્ટરે ખુબજ મુશ્કેલીમાં હોવાનું અને આ પ્રકારની ગોળી નહિ મળે તો મુશ્કેલીમાં આવી જવાની વાત કરતાં મેડીકલ સ્ટોરના સંચાલકે રૂપિયા 500 આપો તો ગોળી આપવાની તૈયારી દર્શાવી હતી. જેને લઈને અમારા રિપોર્ટરે રૂપિયા 500 આપવાની તૈયારી દર્શાવતા મેડીકલ સ્ટોરના સંચાલક બિપીન પ્રજાપતિએ અમારા રિપોર્ટરને રેમન્ડ શો રૂમ નજીક ઉભા રહેવા જણાવ્યું હતું. ત્યાર બાદ મેડીકલ સ્ટોરનો સંચાલક બીપીન પ્રજાપતિ રેમન્ડ શો રૂમ નજીક ગોળી લઈને આવ્યો હતો અને રૂપિયા 500 મેડીકલ સ્ટોરમાં ચૂકવી આપવા જણાવ્યું હતું. આ તમામ ઘટનાનું વિડીયો રેકોડીંગ અમારા રિપોર્ટરે કેમેરામાં કેદ કર્યુ હતું.
જાેકે મહેસાણાના મેડીકલ સ્ટોર ઉપર મળતી પ્રતિબંધિત ગર્ભપાતની દવા આમ તો કોઈ નવું નથી. ફ્રુડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય વિભાગના મેળાપીપળામાં આ કાળો કારોબાર વર્ષોથી ધમધમી રહ્યો છે. ભૂતકાળમાં પણ ગરવી તાકાતે આ બાબતે વારંવાર પોતાના અખબાર થકી લોકોને અને આરોગ્ય વિભાગને જગાડવાનો પ્રયાસ કર્યો છે.આમ છતાં હપ્તા ખોરીમાં રાચતો ફ્રુડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય વિભાગ આ બાબતે કાઈે નક્કર પગલાં ભરવા તૈયાર નથી. અમારી જાણકારી મુજબ મહેસાણા શહેરમાં ચાલતાં મોટાભાગના મેડીકલ સ્ટોર લાયસન્સ ભાડે રાખીને ચલાવવામાં આવે છે એટલે કે એમફાર્મ થયેલા લોકો પાસેથી દર મહિને ચોક્કસ રકમ ચુકવીને ડીગ્રી વગરના લોકો મેડીકલ સ્ટોર ચલાવતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ હકીકત ઢાંકવા માટે દર દિવાળીમાં રીતસરનું ઉઘરાણું થતું હોવાનું પણ લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે.
એક મેડીકલ સ્ટોરના સંચાલકે નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે, દેવ દિવાળીમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના લોકો ચોક્કસ વ્યકિતઓને મેડીકલ સ્ટોરનું ઉઘરાણું કરીને તેમના સુધી પહોંચાડવાની જવાબદારી આપે છે.લાયસન્સ ધારક જાે દુકાનમાં બેસતો હોય તો તેના પાંચ હજાર રૂપિયા લેવામાં આવે છે. અને જાે લાયસન્સ ધારક સિવાય અન્ય વ્યકિત મેડીકલ સ્ટોર ચલાવતો હોય તો તેના 8000 રૂપિયા લેવામાં આવે છે અને એક અંદાજ મુજબ મહેસાણા શહેરમાં 177 કરતાં વધારે સ્ટોર કાર્યરત છે. મહેસાણા જિલ્લામાં એક હજાર કરતાં પણ વધારે મેડીકલ સ્ટોર કાર્યરત છે. અમારા વાંચકો અંદાજ લગાવી શકે છેકે, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની દિવાળીમાં થતાં ઉઘરાણાની રકમ કેટલી હશે ?
મેડીકલ સ્ટોરના સંચાલકને ખૂલાસો પૂછતાં ફોન કાપી નાંખ્યો
ગરવી તાકાતે કરેલા સ્ટીંગ ઓપરેશન બાદ પત્રકારીત્વના નિયમ મુજબ આસોપાલવ મેડીકલ સ્ટોરના સંચાલકને ગોળી વેચાણ બાબતે પૂછવાનો પ્રયાસ કરતાં સંચાલક બીપીન પ્રજાપતિએ ફોન કાપી નાંખ્યો હતો અને અમે આવી કોઈ ગોળી વેચતાં નહિ હોવાનું કહ્યું હતું જાે કે ગરવી તાકાતે કરેલા સ્ટીંગમાં બીપીન પ્રજાપતિ ગોળી વેચતાં કેદ થયો છે. અને આ પ્રકારની ગોળી રૂપિયા 500 વસૂલીને બિપીન પ્રજાપતિ વેચતો હોવાનું સામે આવ્યુ છે.
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે મેડીકલ સ્ટોરના સંચાલકોની ડીગ્રી તપાસવી જોઈયે
મહેસાણા શહેર અને જિલ્લામાં કાર્યરત મેડીકલ સ્ટોરમાં અમારી જાણકારી મુજબ મોટાભાગના મેડીકલ સ્ટોરમાં ધો.10 સુધી ભણેલા લોકો હેલ્પર તરીકે કામ કરતાં હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. તો મેડીકલ સ્ટોરના સંચાલક પાસે પણ મેડીકલ સ્ટોર ચલાવવા જરૂરી ડીગ્રી નહિ હોવાનું બહાર આવ્યું છે. આમ છતાં મહેસાણા શહેર અને જિલ્લામાં જાણે કરિયાણાની દુકાન શરૂ કરવાની હોય તેમ ડીગ્રી વગરના અને ઓછુ ભણેલા લોકો માનવ જીવન સાથે સીધી અસર કરતી દવાનું વેચાણ કરતા સ્ટોર ખોલી માનવ જીવન સાથે ચેડાં કરી રહ્યા છે અને આવા સંચાલકોને જાે ડામવામા નહિ આવે તો ભવિષ્યમાં કોઈ ખોટી દવા અપાઈ જાય તો કોઈનો જીવ પણ જઈ શકે છે અને ગામડાનો બિચારો અભણ દર્દી ખોટી દવા ગળીને પૈસા ખર્ચીને સાજાે થવા બદલે ઉલમાંથી ચૂલમાં પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જેથી ગરવી તાકાત ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને અપીલ કરે છેકે ,મહેસાણા જિલ્લામાં કાર્યરત મેડીકલ સ્ટોરના સંચાલકોની ડીગ્રી તપાસમાં આવે અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ કાર્યવાહી નહિ કરે તો આગામી સમયમાં ગરવી તાકાત નામજાેગ આવા મેડીકલ સંચાલકોને ખૂલ્લા પાડશે જેથી જાહેર જનતાં તેમની પાપ લીલાનો ભોગ બનતા બચી જાય.