LRD, PSIની પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ
લક્ઝુરિયસ લાઈફ જીવવા ક્રિષ્ના ભરડવાએ પ્રેમી સાથે કૌભાંડ આચર્યુ: દિલ્હીના શખ્સની સંડોવણી પણ ખુલી
એલઆરડી અને પીએસઆઈની પરીક્ષા પાસ કરાવી દેવાના નામે લાખોનું કૌભાંડ આચરનાર ક્રિષ્ના શામજી ભરડવા (ઉં.વ.32, રહે.મૂળ ટીંબાવાડી, જૂનાગઢ) અને જેનીશ ધીરૂભાઈ પરસાણા (ઉં.વ.25, રહે.મૂળ જામનગર, હાલ 150 ફુટ રીંગ રોડ, અયોધ્યા સોસાયટી)ની ગાંધીગ્રામ પોલીસે આજે વિધિવત ધરપકડ કરી હતી.
બનેની પુછપરછમાં દિલ્હીના એક શખ્સની સંડોવણી ખુલતા તેને પકડવા માટે પોલીસની એક ટીમ દિલ્હી તરફ રવાના કરવામાં આવી છે. અત્યાર સુધી 12 ઉમેદવારો પાસેથી રૂા.15 લાખ ખંખેરાયાની ફરિયાદ નોંધાઈ છે. પરંતુ પોલીસનું માનવું છે કે હજુ વધુ જણા ભોગ બન્યા હોય તેમ જણાય છે. જે જોતા ભોગ બનેલા ઉમેદવારોની સંખ્યા દોઢેક ડઝન સુધી પહોંચે તેવી શક્યતા છે.
ભોગ બનેલા ઉમેદવારો મોટાભાગે રાજકોટ, સોમનાથ અને પોરબંદર તરફના છે. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે ક્રિષ્નાની લાઈફ લક્ઝુરીયસ હતી. તેને મોંઘી હોટલોમાં ખાવાપીવાની અને રહેવાની ટેવ પડી ગઈ હતી. જેથી પોતાનો આ શોખ પોષવા માટે તેણે આ સમગ્ર કૌભાંડ આચર્યુ હતું.
રાજકોટમાં તે મોટાભાગે સારી હોટલોમાં જ રોકાતી હતી. છેલ્લા એકાદ માસથી એરપોર્ટ રોડ વિસ્તારમાં આવેલી હોટલમાં રહેતી હતી. જો કે તેને આ રીતે એલઆરડી અને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી દેવાના નામે કૌભાંડ આચરવાની દુષ્પ્રેરણા ક્યાંથી મળી તે વિશે પોલીસને હજુ સુધી કોઈ ઠોસ માહિતી મળી નથી.
પોલીસની પુછપરછમાં ક્રિષ્નાએ દિલ્હી તરફના એક શખ્સની સંડોવણી હોવાની કબૂલાત આપી છે. પોલીસનું કહેવું છે કે આ શખ્સની સંડોવણીના હજુ સુધી પુરાવા મળ્યા નથી. આમ છતાં તેની તલાશ માટે દિલ્હી તરફ એક ટીમ મોકલવામાં આવી છે. આ શખ્સ મળ્યા બાદ તેનું આ કૌભાંડ સાથે શું કનેક્શન છે તેનો ખુલાસો થશે.
આવતીકાલે પોલીસ ક્રિષ્ના અને જેનીશને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરશે. ત્યારબાદ આ કેસમાં વધુ નવા ખુલાસા થવાની સંભાવના નકારાતી નથી. શહેર પોલીસ કમિશનર અગ્રવાલે ભોગ બનનાર ઉમેદવારોએ લાંચ આપી હોવાથી તેમની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે બાબતે પુછાતા કહ્યું કે આ કાર્યવાહી ભરતી બોર્ડ કે રાજ્ય સરકાર કરશે તેમ જણાવી ઉમર્યુ કે અત્યારે આ મુદ્દા ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યુ નથી.
કારણ કે જો તેમ થાય તો બીજા ભોગ બનનારાઓ ફરિયાદ નોંધાવવા આગળ નહીં આવે. ભેજાબાજ ક્રિષ્નાએ ઉમેદવારોએ ફસાવવા માટે કેન્દ્રિય મંત્રી સાથેના પરિચયના બણગા ફુંક્યાની ચર્ચા થઈ રહી છે તે અંગે પોલીસ કમિશનરે કહ્યું કે અત્યાર સુધીની પોલીસ તપાસમાં આ પ્રકારની કોઈ માહિતી હજુ બહાર આવી નથી. ભોગ બનેલા ઉમેદવારોની વિસ્તૃત પુછપરછ બાદ તેમને કઈ રીતે શિકાર બનાવવામાં આવ્યા હતા અને કોઈનુ નામ વટાવાયુ હતુ કે કેમ તેનો ખુલાસો થશે
(ન્યુઝ એજન્સી)