નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે વિધાનસભામાં જણાવ્યુ હતું કે  રાજ્યમાં માર્ગોના નેટવર્કની સુવિધાનો વ્યાપ વધારીને નાગરિકોને મળતી વાહનવ્યવહારની સુવિધાઓમાં વધારો કરવો એ સરકારની પ્રતિબદ્ધતા છે ત્યારે ગુજરાતમાં ટ્રાફીકનું ભારણ ઘટે, નાગરિકોની સલામતીમાં વધારો થાય તે આશયથી ઉત્તર/મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોના રૂ.૬૫૬ કરોડના કામો રાજ્ય સરકારે મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે અને આ કામો ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે જે આગામી ૨ વર્ષમાં પૂર્ણ કરાશે.

પટેલે ઉમેર્યુ કે, વિશ્વબેંક લોન સહાયિત આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના -૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત રૂ.૧૯૩૮ કરોડ કિંમત પૈકી રૂ.૧૦૫૦ કરોડની વિશ્વ બેંકની લોન મળશે, આ કામોમાં રૂ.૨૨૨ કરોડનો રાજ્ય સરકારનો હિસ્સો રહેશે.

પટેલે ઉમેર્યુ કે, ઉત્તર ગુજરાતના મહેસાણા થી સિદ્ધપુર રસ્તાને ૬ માર્ગીયકરણ કરવાનું કામ રૂ.૨૩૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં શરૂઆત મહેસાણા બાયપાસ (ફતેપુરા)થી શરૂ થઇ ઉંઝા-સિદ્ધપુર સુધીના ૨૫ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત ૪ માર્ગીય રસ્તાને ૬ માર્ગીય જેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાશે. આ ઉપરાંત હયાત ચારમાર્ગીય પૂલોનું ૮ માર્ગીય કરવામાં આવશે. સાથે-સાથે ઉંઝા શહેરમાં ૧ર૦૦ મીટર જેટલી લંબાઇનો ૬ માર્ગીય ફલાયઓવર બનાવાશે. સિદ્ધપુર ગામની ૪ કિ.મી. જેટલી લંબાઇમાં ૬ માર્ગીય રસ્તા ઉપરાંત બન્ને તરફ ૭ મીટર પહોળાઇમાં સર્વીસ રોડ બનાવવામાં આવનાર છે. ઉક્ત કામગીરીથી  મહેસાણા–સિદ્ધપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે.

આ ઉપરાંત રૂ. ૧૨૪ કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ પણ કરાશે. જેમાં રાધનપુરથી ચાણસ્મા સુધીની ૬૦ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે.  આ કામગીરીમાં હયાત બે માર્ગીય  રસ્તાના નવીનીકરણની કામગીરી પણ કરાશે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, મધ્ય ગુજરાતના હાર્દસમા રૂ. ૮૬ કરોડના ખર્ચે ધોરીડુંગરી થી લુણાવાડા રસ્તાના સુધારો/ મજબૂતીકરણ / નવીનીકરણ કરવાનું કામ હાથ ધરાશે. જેમાં ધોરીડુંગરી થી ગરસિયાવાડા અને ગરસિયાવાડા થી  લુણાવાડા સુધીની ૨૬ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે.

આ કામગીરીમાં સુધારો/  મજબૂતીકરણ / નવીનીકરણની કામગીરી તથા હાડોડ પાસેના ડૂબાઉ પુલની જગ્યાએ મોટા બ્રીજના બાંધકામો પણ કરાશે. જેના પરિણામે રાજ્યના મહીસાગર અરવલ્લી જિલ્લાઓના વાહનવ્યવહારની સગવડમાં વધારો થશે.