ગરવી તાકાત,પાલનપુર
પાલનપુરની સ્વસ્તિક શાળામાં વાલીઓ પાસે શાળા સંચાલકો દ્વારા ફી ની કડક ઉઘરાણીની રાવ
બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં કોરોના વાયરસની મહામારી દરમિયાન સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ જ્યારે લોકડાઉનમાં છૂટછાટો આપી છે. ત્યારે શાળાઓમાં હજુ સુધી પણ બાળકોને અભ્યાસ કરાવવા માટેની મંજૂરી આપી નથી અને શાળાઓના સંચાલકોને પણ વાલીઓ પાસે ફીની ઉઘરાણી ન કરવા માટે સરકારે સ્પષ્ટ સૂચના આપેલી છે. તેમ છતાં કેટલીક શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફીની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની રાવ ઉઠવા પામી છે. ત્યારે આજે પાલનપુરમા આવેલી સ્વસ્તિક શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી કોરોના મહામારી દરમિયાન પણ ફીની ઉઘરાણી કરવામાં આવતી હોવાની રાવ સાથે વાલીઓએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રાજ્યમાં કોરોના વાયરસની મહામારી દરમિયાન સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ હવે અનલોક જાહેર કરીને ધંધા રોજગારમાં છૂટછાટો આપી દીધી હતી. જોકે શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતાને પગલે હજુ સુધી શાળાઓ ખોલવાની મંજૂરી આપેલ નથી અને શાળાના સંચાલકોને પણ વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી નહીં કરવા માટે સૂચના રાજ્ય સરકારે આપેલી છે. તેમ છતાં બનાસકાંઠા જિલ્લાની કેટલીક શાળાઓમાં વાલીઓ પાસે શાળાના સંચાલકો દ્વારા ફી ની કડક ઉઘરાણી કરવામાં આવતી હોવાની રાવ ઉઠવા પામી છે.
આ પણ વાંચો – બનાસકાંઠામાં કંગનાના સમર્થમાં કરણી સેનાએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
તેમાં પાલનપુર ખાતે આવેલ સ્વસ્તીક શાળામાં વાલીઓ પાસે શાળાના સંચાલકો દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે આજે વાલીઓએ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી પહોંચી આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કોરોનાની મહામારી દરમિયાન તમામ ધંધા રોજગાર બંધ હોવાથી ઘર ચલાવવું પણ મુશ્કેલ હોય આવા સમયે શાળાની ફી કઈ રીતે ભરવી તેવી પરિસ્થિતિ હોય તે માફી માટે ઉગ્ર રજૂઆત કરી હતી.