મહેસાણા નગરપાલીકાનો વધુ એક ભ્રષ્ટાચાર – સ્ટ્રીટલાઈટ પરની જાહેરાતો મફતમાં લગાવી !

શેર કરવા અહીં ક્લિક કરો.

આ વર્ષના ફેબ્રુઆરી માસમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મહેસાણા નગરપાલીકામાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જેમાં મહેસાણાની જનતાએ લોકોના સુખાકારી માટે ચુંટણીમાં 44 માંથી 37 બેઠકો જીતાડી ભાજપને સત્તામાં બેસાડી હતી. પરંતુ જ્યારથી પાલીકામાં ભાજપની સત્તા આવી છે ત્યારે વિકાસની વાતો ઓછી અને ભ્રષ્ટાચારના મામલા વધુ સામે આવી રહ્યા છે. આવો જ એક ભ્રષ્ટાચારનો મામલો ફરીવાર સામે આવ્યો છે. જેમાં સત્તાધીશોએ સ્ટ્રીટલાઈટ પર લગાવેલ જાહેરાતો માટે કોઈ પણ પ્રકારના નાણા વસુલ્યા નથી. આ બાબત સામે આવતાં પાલીકાએ પૈસા વસુલવાની જગ્યાએ મામલાને દબાવી દેવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

મહેસાણા નગરપાલીકાના હદ વિસ્તારમાં આવતી સ્ટ્રીટલાઈટો પર અનેક કંપનીઓની જાહેરાતો લગાવેલી જોવા મળે છે. પરંતુ આ જાહેરાતો માટે વસુલવામાં આવતી રકમ મહેસાણા નગરપાલીકાના સત્તાધીશોએ છેલ્લા 4-5 માસથી વસુલી જ નથી. જેથી લાખોનુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.  સત્તાધીશો દ્વારા લાખોનો ભ્રષ્ટાચાર કરાયો હોવાના આરોપ લાગી રહ્યા છે. આ મામલે રજુઆત કરવામાં આવતાં પાલીકાએ ગુનેગારો વિરૂધ્ધ પગલા ભરવાની જગ્યાએ તથા કંપનીઓ પાસેથી નાણા વસુલવાની જગ્યાએ ચોરી-છુપેથી જાહેરોતા હટાવવાનુ શરૂ કરી દીધુ છે. જેમાં સત્તાધારી પાર્ટી સાથે ચીફ ઓફીસરની પણ મીલીભગત હોય તેવુ માલુમ પડી રહ્યુ છે.

નગરપાલીકામાં વિરોધપક્ષના નેતાના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર પાંચ માસથી નાણા વસુલવામાં નથી આવ્યા જેથી પાલીકાને 20-22 લાખ જેટલુ નુકશાન થયુ છે. શહેરમાં જે કંપનીઓની જાહેરાતો લાગી છે તેમાં મણપ્પુરમ, સ્ટડી ઈન, રીયા હોન્ડા, અલીયા ઓરેલીયા, આરૂષ હાર્મની, બેંગલોર હાઉસ, આકાશ બાઈઝ્યુજ, આઈઈએલટીએસ, પ્યુમા જેવી અનેક કંપનીઓની જાહેરાત લગાવેલ  છે. આ તમામ લોકોને ફ્રીમાં જાહેરાતો લગાવવા દીધી છે જેનો એક પણ રૂપીયો પાલીકા દ્વારા ઉઘરાવવામાં નથી આવ્યો.

ભ્રષ્ટાચાર પર પદડો પાડવાની કોશિશ

ગતરોજ વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરીયાએ આ ભ્રષ્ટાચાર તરફ ધ્યાન દોર્યુ હતુ. જેથી ચીફ ઓફીસરે કોઈ પણ ઉલટ તપાસ કર્યા વિના જાહેરાતો હટાવી લેવાની કામગીરી હાથ ધરી હતી. જેમા કોઈ પણ પ્રકારનુ વિડીયો રેકોર્ડીંગ પણ નથી કરાયુ, આથી પુરાવા નષ્ટ થઈ શકે છે. સુતરીયાએ ઉગ્ર રજુઆત કરતા જણાવ્યુ હતુ કે, કોઈ પણ રેકોર્ડીંગ વગર જાહેરાતોના બોર્ડ ઉતારી સબુત મીટાવવામાં આવી રહ્યા છે. જેમાં ચીફ ઓફીસર દ્વારા ભ્રષ્ટાચારીઓને ક્યાંકને ક્યાંક છાવરવામાં આવી રહ્યા હોય તેમ જણાઈ રહ્યુ છે. જો આ મામલે જવાબદારો વિરૂધ્ધ ભગલા ભરવામાં નહી આવે તો વિરોધપક્ષના નેતા તરીકે તેઓ તમામ જવાબદારો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.