ધર્મપરાયણ – સંસ્કારી ભાવી પેઢીના નિર્માણ માટે પુસ્તકાલયો અને શિક્ષણ સંસ્થાઓ અનિવાર્ય : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
વાંચનાલયો વિકસિત રાષ્ટ્રથી દીક્ષિત રાષ્ટ્રના નિર્માણનું માધ્યમ બનશે : શ્રી શંકરભાઈ ચૌધરી
ગરવી તાકાત, મહેસાણા તા. 08 – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મહેસાણા ખાતે આંજણા યુવક મંડળ સંચાલિત સ્વ મહાદેવભાઈ નાથુભાઈ ચૌધરી વાંચનાલયનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષિત – સંસ્કારી સમાજ દ્વારા જ સમાજ શ્રેષ્ઠીઓનું નિર્માણ થાય છે. રાજ્યપાલશ્રીએ આ અવસરે ધર્મપરાયણ-સંસ્કારી ભાવિ પેઢીના નિર્માણ માટે પુસ્તકાલયો અને શિક્ષણ સંસ્થાઓના નિર્માણ માટે સમાજના આગેવાનોને આહ્વાન કર્યું હતું.
રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે કન્યા કેળવણીને અતિ આવશ્યક ગણાવી રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, એક શિક્ષિત દીકરી લગ્ન પહેલાં પિતાનું અને લગ્ન બાદ પતિના કુળનું એમ બે કુળનું ગૌરવ વધારે છે. તેમણે દીકરા-દીકરીના ભેદભાવથી દૂર રહીને સ્ત્રીભ્રુણ હત્યા, દહેજ પ્રથા જેવા દુષણોથી સમાજને મુક્ત કરવા સૌને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે પર્યાવરણની સુરક્ષા માટે અને ગ્લોબલ વૉર્મિગ જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા વૃક્ષારોપણ અને જળસંચય માટે સૌને આગ્રહ કર્યો હતો, તેમણે દાન, પુણ્ય અને ધર્મકાર્ય માટે ખર્ચાતા ધનની ગતિને સર્વોત્તમ ગણાવી પુસ્તકાલય જેવી શિક્ષણ સંસ્થાઓના નિર્માણ માટે આંજણા યુવક મંડળના સૌ સભ્યોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, જ્ઞાનની પરબ થકી નાગરિકોનું જીવન બદલાય છે, આ પ્રકારના વાંચનાલયથી જ્ઞાનના દરવાજા ખુલશે અને જ્ઞાનના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણનું કામ થશે.
અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વાંચનાલયો સારા નાગરિક બનાવવાનું કાર્ય કરે છે, આજના સમાજ દ્વારા આ કાર્ય વિકસિત રાષ્ટ્રથી દીક્ષિત રાષ્ટ્રના નિર્માણનું માધ્યમ બનશે, તેમ જણાવી અધ્યક્ષશ્રીએ રાજ્યપાલશ્રીનો આ પ્રકારના કાર્યક્રમમાં આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વાંચનાલયના મુખ્ય દાતાશ્રી હર્ષદભાઈ ચૌધરી અને રામીબેન ચૌધરીના પરિવારજનોનું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત અન્ય દાતાશ્રીઓ વિજયભાઇ ચૌધરી, મનુંભાઇ ચૌધરી, દશરથભાઇ ચૌધરી, શંકરભાઇ ચૌધરી સહિત ચૌધરી સમાજના તમામ દાતાશ્રીઓનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી, ખેતી બેન્કના પૂર્વ ચેરમેન કનુંભાઈ પટેલ, ખેતી બેન્કના પૂર્વ ચેરમેન ધીરેનભાઇ ચૌધરી, દૂધ સાગર ડેરીના ડીરેક્ટરશ્રી કનુંભાઇ ચૌધરી, સાબરકાંઠા ચૌધરી સમાજના પ્રમુખ જશુભાઇ ચૌઘરી, ખેતીબેન્કના વાઇસ ચેરમેન ફલજીભાઇ ચૌધરી, દાતાશ્રી હર્ષદભાઇ ચૌધરી, સહિત આંજણા યુવક મંડળના પ્રમુખ તરૂણ ચૌધરી, મહામંત્રી સંજયભાઇ ચૌધરી, કન્વીનર જશપાલ ચૌધરી, ભરત ચૌધરી, સહકન્વીનર ચંદ્રેશ ચૌધરી, અરવિંદભાઇ ચૌધરી (દેલા), સમગ્ર કારોબારી તથા આંજણા યુવક મંડળના સભ્યશ્રીઓ, આંજણા સમાજના અગ્રણીઓ,પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.