ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રાંજેડી ગામની પ્રાથમિક શાળામાં વધમાં પડેલ શિક્ષકની બદલી કરવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને  રાંજેડી પ્રાથમિક શાળાને તાળાબંધી કરી શિક્ષકને ફરીથી શાળામાં પરત લાવવાની  માંગ કરતાં વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તાબડતોડ રાંજેડી પ્રાથમિક શાળામાં પહોંચી ગ્રામજનો અને વાલીઓ સાથે બેઠક કરી બદલી કરવાનું કારણ સમજાવતા વાલીઓમાં રોષ સમ્યો હતો અને તાળાબંધી થયેલો હોબાળાનો અંત આવ્યો હતો.

મેઘરજ તાલુકાની રાંજેડી પ્રાથમિક શાળા ધોરણ.૧ થી ૮ માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ધો.૬ થી ૮ માં અભ્યાસ કરાવતા કિરણભાઈ પટેલ નામના શિક્ષક સરકારના અને પ્રાથમિક શિક્ષણ વિભાગના ધારા ધોરણ મુજબ વધ માં પડતા તેમની અન્ય શાળામાં બદલી કરવામાં આવી હતી.

સોમવારે સવારે રાંજેડી ગ્રામજનોએ શાળામાં સંખ્યા પૂરતી હોવાછતાં શિક્ષકની બદલી કરવામાં આવી હોવાથી શિક્ષકના અભાવે બાળકોના અભ્યાસ પાર અસર પડતી હોવાના આક્ષેપ સાથે  રાંજેડી પ્રાથમિક શાળાની તાળાબંધી કરતાં ભારે હોબાળો થયો હતો રાંજેડી શાળાની તાળાબંધીને લઈને વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી મેઘરજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી લીલા બેન તાબડતોડ રાંજેડી પહોંચી ગામના અગ્રણીઓ અને વાલીઓ સાથે ચર્ચા કરી સમજાવટ કરતાં શાળાની તાળાબંધીને લઈને થયેલા હોબાળાનો અંત આવ્યો હતો.

મેઘરજ પ્રાથમિક શિક્ષણાધિકારી લીલા બેન તાળાબંધીની ઘટનાથી અકળાઈ ઉઠ્યા હતા. રાંજેડી પ્રાથમિક શાળામાં તાળાબંધી કરતાં આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી લીલા બેન ને ટેલિફોનિક પૂછપરછ કરતાં શરૂઆતમાં અકળાઈ ઉઠ્યા હતા અને  રાંજેડી પ્રાથમિક શાળામાં તાળાબંધી અંગે તમને જેને ફોન કર્યો હોય તેને પૂછો જેવો તુમાખી ભર્યો જવાબ આપ્યો હતો તેમની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ અને જવાબદારી બનતી હોવાનું જણાવતા હાલ ગ્રામજનો સાથે મિટિંગ ચાલુ હોવાનું અને સમાધાન થયી ગયું હોવાનું જણાવ્યું હતું.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: